મોરબી શહેર તેમજ જીલ્લામાં ભારે વાહનો દારૂનો નશો કરીને બેફામ ચલાવતા હોય છે આ બાબતે અનેક વખત ધ્યાન દોરવા છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી ત્યારે બેફામ બની રહેલ ટ્રક ચાલકોએ માજા મુકતા મોરબીના ગીડચ ગામે પાણીના ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા બે યુવકના મોત નિપજ્યા હતા જે બાદ ગ્રામજનો દ્વારા નિર્ણય કરાયો છે હવે કોઈ તળાવમાંથી પાણી ભરશે તો તેને પોલીસ હવાલે કરવામાં આવશે.
આ અંગે મળતી મુજબ મોરબી તાલુકાના ગીડચ ગામે રહેતા ભાવેશ લાભુભાઈ ટીડાણી (ઉ..૨૪), મહેશ પ્રેમજીભાઈ કુંવરીયા (ઉ.વ.૨૭) અને અનીલ પ્રેમજીભાઈ કુંવરીયા એમ ત્રણેય યુવાનો ગીડ્ચ ગામથી મોરબી યાર્ડ કામકાજ અર્થે આવતા હતા ત્યારે ગીડ્ચ પાનેલી રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા પાણીના ટેન્કરે યુવાનોના બાઈકને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં ભાવેશભાઈ ટીડાણી અને મહેશભાઈ કુંવરીયા એમ બે આશાસ્પદ યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અનિલભાઈ કુંવરીયાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે
ઉલ્લેખનીય છે કે પાણીના ટેન્કરનો ત્રાસ તેમના ગામ આસપાસ અસહ્ય બની ગયો છે અગાઉ પાનેલીના તળાવમાંથી મોરબીને પીવાનું પાણી આપવામાં આવતું હતું હવે આ પાણીનો ઉપયોગ સિરામિકમાં કરવામાં આવી રહ્યો છે રાતાવીરડા સરતાનપર રોડ પર આવેલા એકમોમાં પાણી પહોંચાડવા પાણીના ટેન્કર આખો દિવસ દોડતા રહે છે અવારનવાર અકસ્માત કરે છે છતાં પોલીસ મુક પ્રેક્ષક બની રહી છે જેથી આવા ઈસમો વિરુદ્ધ લગામ કસવા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે તો બે આશાસ્પદ યુવાનોના મોતને પગલે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે

