મોરબીમાં પુરુષ જગતને શરમશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક સેવાભાવી સંસ્થામા બારી તોડી બે શખ્સો અંદર ઘુસી બે અસ્થિર મગજની મહિલાની ઈજત લુંટી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનાની જાણ થતાં પોલીસે બંને ઈસમોને ઝડપી લઈ આગળ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં એક સેવાકીય સંસ્થામાં બે અસ્થિર મગજની બે મહિલાઓને આશ્રય આપવામાં આવ્યો હતો. અહીં તેની દેખભાળ કરી સેવા ચાકરી કરવામાં આવી રહી હતી. ત્યારે બે હેવાનોએ આ સંસ્થાની 8 ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. દીવાલની ઉપર કાચ લગાવેલા હતા. તે કાચ તોડી તેઓએ દીવાલ પાર કરી હતી. ત્યારબાદ તેઓ બાથરૂમની બારી તોડી રૂમમાં પ્રવેશ્યા હતા. ત્યાં રૂમમાં તેઓએ અસ્થિર મગજની બે મહિલાઓનું શિયળ લૂંટી દુષ્કર્મની જધન્ય કૃત્ય કર્યું હતું. આ બે મહિલાઓમાં એક યુવતી અને એક વૃદ્ધા હતા. આ ઘટનાથી મોરબીમાં નરાધમો પર ભારે ફીટકારની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે સંસ્થા દ્વારા પોલીસને જાણ કરતાની સાથે જ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટિમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. બાદમાં પોલીસે બંને આરોપી ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ તેમજ હરેશ જીવાભાઈ સોલંકીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

