મોરબી મહાનગરપાલિકા દ્વારા દર અઠવાડિયે’વન વીક, વન રોડ’ અંતર્ગત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જેમા ક્યાંક મનપાની કામગીરી પર સવાલો ઉભા થયા છે આ કામગીરી સાવ ‘મંદ’ પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શરૂઆતમાં જે જોરશોરથી કામગીરી ઉપાડવામાં આવી હતી, તે હવે માત્ર દેખાડા પૂરતી સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે ૯:૩૦ વાગ્યાના અરસામાં મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ વાવડી રોડથી ક્રિષ્ના પાર્ક જવાના રસ્તે (ગાડા માર્ગ) પહોંચી હતી. આ કામગીરી માટે પાલિકાના રપ થી વધુ કર્મચારીઓનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. જોકે, સ્થળ પર જઈને જોયું તો દબાણના નામે માત્ર ર થી ૩ નાની ઓરડીઓ જ હતી. આશ્ચર્યની વાત એ છે કે ૧૧ વાગ્યા સુધીમાં પણ આ નજીવું દબાણ દૂર કરી શકાયું નહોતું. મળતી માહિતી મુજબ, એક દબાણકર્તાને ત્યાં બીજા દિવસે પ્રસંગ હોવાથી તેમને મુદત આપવામાં આવી હતી, જ્યારે અન્ય લોકોએ જાતે સામાન હટાવી લેવાની તૈયારી દર્શાવી હતી. છેવટે, અધિકારીઓએ એવો લૂલો બચાવ કર્યો હતો કે “ગઈકાલે અહીં વાહનો પડ્યા હતા તે આજે હટી ગયા છે,” અને ટીમ વિલા મોઢે પરત ફરી હતી. છેલ્લા એક મહિનાથી પાલિકાની ડિમોલિશન કામગીરી ધીમી પડી ગઈ છે. ‘વન વીક, વન રોડ’ જેવી જાહેરાતો પોકળ સાબિત થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ કામગીરી મંદ પડવા પાછળ કોઈ રાજકીય દબાણ કારણભૂત છે કે પછી અધિકારીઓની કામગીરી કરવાની દાનત જ નથી? હાલ તો રપ-૨પ માણસોનો કાફલો લઈને નીકળેલું તંત્ર માત્ર ૨ ઓરડીઓ સામે લાચાર બનીને પરત ફરતા પાલિકાની કામગીરી ટીકાને પાત્ર બની છે. છેલ્લા ચાર બુધવારથી માત્ર દેખાડા પૂરતી કામગીરી કેમ થઈ રહી છે તેવું પૂછતાં મહાપાલિકાના અધિકારી શુભમ પટેલે કહ્યું કે, “અમે કાયદાકીય રીતે જે શક્ય હોય તેટલું ડિમોલિશન કરીએ છીએ.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શહેરમાં ઠેરઠેર ગેરકાયદે દબાણો ખડકાયેલા છે તે નથી દેખાતા? ત્યારે અધિકારીએ કહ્યું કે, “અત્યારે રસ્તાના દબાણો અંગે ચકાસણી થઈ રહી છે.”

