HomeMorbiમોરબીમાં હર્ષ સંઘવીનો ચૂંટણી શંખનાદ: “અહંકાર નહીં, સેવા જ સાચી રાજનીતિ”
મોરબીમાં હર્ષ સંઘવીનો ચૂંટણી શંખનાદ: “અહંકાર નહીં, સેવા જ સાચી રાજનીતિ”
મોરબી : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મોરબીની મુલાકાત દરમિયાન ભાજપના ચૂંટણી અભિયાનને વધુ ગતિ આપી છે. કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં તેમણે ઉમેદવારો અને અગ્રણીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ચૂંટણી જીત્યા બાદ સત્તાનો ગર્વ નહીં, પરંતુ લોકોની સેવા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.
બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ કાર્યકરોને માર્ગદર્શન આપતા કહ્યું કે, “કોર્પોરેટર બન્યા પછી મગજ પર અહંકાર નહીં, લોકોના પ્રશ્નોનો ભાર લો.” તેમણે ખાસ ટકોર કરી કે કોઈ પણ નાગરિક રાત્રે કે વહેલી સવારે મદદ માટે આવે તો હંમેશા હસતા મુખે 24 કલાક સેવા માટે તૈયાર રહેવું જોઈએ. નાના પ્રશ્નોથી લઈને મોટા પ્રશ્નો સુધી દરેકને પ્રાથમિકતા આપવાની ભાવના રાખવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું.
કાયદો અને વ્યવસ્થા મુદ્દે કડક વલણ દર્શાવતા સંઘવીએ જણાવ્યું કે મોરબીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ છે અને આગળ પણ ચાલુ રહેશે. “લુખ્ખા અને ટપોરી તત્વો માટે કાયદો હવે કડક બની ગયો છે,” એમ કહી તેમણે ગેરકાયદેસર કબજાઓ સામે સરકારની ‘બુલડોઝર’ નીતિ ચાલુ રહેશે તેવી ચેતવણી આપી.
વિપક્ષ પર આકરા પ્રહારો કરતા તેમણે કોંગ્રેસ અને અન્ય પક્ષોની કાર્યશૈલીને નિષ્ફળ ગણાવી. વિવિધ જિલ્લાઓના પોતાના પ્રવાસનો ઉલ્લેખ કરીને તેમણે દાવો કર્યો કે રાજ્યભરમાં વિપક્ષનો પ્રભાવ ઘટ્યો છે અને લોકો ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. મોરબીમાં પણ વિપક્ષની નબળી સ્થિતિનો ઉલ્લેખ કરીને તેમણે ભાજપ માટે એકતરફી માહોલ હોવાનું જણાવ્યું.
વેપારીઓનો ખાસ ઉલ્લેખ કરતા ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર હંમેશા વેપારીઓની સાથે રહી છે. યોજનાઓ દરમ્યાન પડતી તકલીફોમાં વેપારીઓએ આપેલા સહયોગ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ સાથે મળીને વિકાસ આગળ વધારવાની ખાતરી આપી.
અંતમાં તેમણે મોરબીમાં ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને અપીલ કરી કે એક પણ બેઠક ભાજપથી દૂર ન જાય. “આ જીત એવી હશે કે ભવિષ્યમાં મોરબીમાં માત્ર વિકાસની રાજનીતિ જ થશે,” એમ કહી તેમણે કાર્યકરોમાં નવી ઉર્જા ભરી.