HomeMorbiજેતપરથી ગાંધીનગર સુધી ખેડૂતોનો ન્યાય સંકલ્પ: 15 જૂને વિશાળ ખેડૂત રેલી, મુકેશભાઈ...

જેતપરથી ગાંધીનગર સુધી ખેડૂતોનો ન્યાય સંકલ્પ: 15 જૂને વિશાળ ખેડૂત રેલી, મુકેશભાઈ ગામીની જોડાવા હાકલ

ખેડૂતો પર થઈ રહેલા દમન સામે હવે ગાંધીનગર સુધી લડત, મુખ્યમંત્રી સમક્ષ રજૂ થશે માંગણીઓ

મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે વધુ વ્યાપક સ્વરૂપ મળવા જઈ રહ્યું છે. ખેડૂતો પર વીજ કંપની અને પોલીસ તંત્ર દ્વારા થઈ રહેલા દમન સામે ન્યાય મેળવવા માટે આગામી 15 જૂનના રોજ જેતપરથી ગાંધીનગર સુધી વિશાળ ખેડૂત રેલી યોજાનાર છે. આ રેલીમાં રાજ્યભરના ખેડૂતો જોડાય તેવી તૈયારીઓ ચાલી રહી છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનોમાંથી પસાર થતી વીજ લાઈનો અને સંબંધિત કામગીરી અંગે યોગ્ય વળતર તથા ખેડૂતોના હક્કોના પ્રશ્નોને અવગણીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. હવે આ લડતને રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે ગાંધીનગર ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોની સમસ્યાઓ અને માંગણીઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ખેડૂતોને એકજૂથ થવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોના હક્ક અને ન્યાય માટેની આ લડત માત્ર જેતપર પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ખેડૂત સમાજના પ્રશ્નો સાથે જોડાયેલી છે. તેમણે વધુમાં વધુ ખેડૂતોને રેલીમાં જોડાઈ પોતાની એકતા અને શક્તિનું પ્રદર્શન કરવા હાકલ કરી હતી.

ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ 15 જૂનની આ રેલી ખેડૂતોના અધિકારો, યોગ્ય વળતર અને દમન સામેના વિરોધનું પ્રતીક બનશે.

તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ગામીને સાથે રાખી મોરબી જીલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગામડે ગામડે રખડી રખડી ટ્રેક્ટર રેલીમાં જોડવા હાકલ કરી હતી.

ગાંધીનગર ખાતે યોજાનારી મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી સરકાર સમક્ષ પોતાની વાત મજબૂત રીતે રજૂ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular