HomeMorbiમોરબીમાં ખુલ્લા ભૂગર્ભ વીજ વાયર બન્યા જીવલેણ જોખમ, કોંગ્રેસ પ્રમુખે પીજીવીસીએલને કરી...
મોરબીમાં ખુલ્લા ભૂગર્ભ વીજ વાયર બન્યા જીવલેણ જોખમ, કોંગ્રેસ પ્રમુખે પીજીવીસીએલને કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં જમીનની સપાટી નજીક આવેલા ભૂગર્ભ વીજ વાયરોને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે. મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખિત રજૂઆત કરીને મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, કડિયા બોર્ડિંગ અને વોરાબાગ વિસ્તારમાં ખુલ્લા દેખાતા તેમજ ખૂબ ઓછી ઊંડાઈએ આવેલા વીજ વાયરોને તાત્કાલિક નિયમ મુજબ જમીનમાં ઊંડે ઉતારવાની માંગ કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે સામાકાંઠા વિસ્તારમાં ભૂગર્ભ વીજ લાઇન માટે નાખવામાં આવેલા વાયરો અનેક સ્થળોએ જમીનની સપાટી નજીક દેખાઈ રહ્યા છે. ખાસ કરીને કડિયા બોર્ડિંગ અને વોરાબાગ વિસ્તારમાં વાયર માત્ર અડધો ફૂટ જેટલી ઊંડાઈએ હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં વરસાદી પાણીના કારણે અકસ્માત કે જાનહાનિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
પુષ્પરાજસિંહ જાડેજાએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો વાયર નિયમ મુજબ ન નાખવામાં આવ્યા હોય અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલની રહેશે. તેમણે તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરીને તમામ ભૂગર્ભ વીજ વાયરોને સુરક્ષાના નિયમો મુજબ યોગ્ય ઊંડાઈએ નાખી લોકોને જોખમમાંથી મુક્ત કરવાની માંગ ઉઠાવી છે.