HomeMorbiમોરબી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ધર્માદાના રૂપિયા મામલે યુવકની કરપીણ હત્યા કરનાર બે...

મોરબી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ધર્માદાના રૂપિયા મામલે યુવકની કરપીણ હત્યા કરનાર બે શખ્સોને આજીવન કેદ

હમોરબી: પીપળીયા ગામ નજીક વર્ષ ૨૦૨૧માં ધર્માદાના રૂપિયાના હિસાબ બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના ચકચારી કેસમાં મોરબીની અદાલતે આજે આરોપીઓને કડક સજા ફટકારી છે. મોરબીના ત્રીજા એડિશનલ સેશન્સ જજે બંને આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.

સરકારી વકીલ સંજય સી દવેની ધારદાર રજૂઆત અને કામગીરી આ ચકચારી મર્ડર કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ (આસિસ્ટન્ટવ પબ્લિક પ્રોસિક્યુટર) સંજય સી. દવે રોકાયેલા હતા. સરકારી વકીલ સંજય સી. દવે દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી. તેમણે પૂરતા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓ તપાસીને આરોપીઓ સામેનો ગુનો નિઃશંકપણે સાબિત કર્યો હતો. તેમની આ મજબૂત કામગીરી અને કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની ટૂંકી વિગત મુજબ, ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પીપળીયા રેલ્વે સ્ટેશન સામે ફગસીયા ગામ તરફ જતા રસ્તા પર આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. મરણજનાર અબ્દુલભાઇ અને તેનો ભાઈ સલીમભાઇ પીપળીયા ગામમાં શંકરના મંદિર ફરતે વંડો બનાવવા માટે રેતીની ગાડીઓમાંથી ધર્માદાના રૂપિયા ઉઘરાવતા હતા, જેમાં પૃથ્વીરાજસિંહે તેમને હાજરીમાં રાખ્યા હતા.

આ હાજરીના બાકી નીકળતા રૂપિયા આરોપી નં-૧ સલીમ ઇલ્યાસભાઇ કમોરા પાસે માંગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી. તે દરમિયાન આરોપી નં-૨ અનવર ઇકબાલભાઇ કમોરા મોટરસાયકલ લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપી સલીમે અબ્દુલભાઇને પકડી રાખ્યા હતા અને અનવરે પાછળથી અબ્દુલભાઇના બંને પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના આ હુમલામાં અબ્દુલભાઇની બંને કિડનીમાં ગંભીર ઇજાઓ થઈ હતી, અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ફિરોજભાઇ હમજાનભાઇ કમોરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અદાલતનો કડક ચુકાદો: આજીવન કેદ અને દંડ

મોરબીના ત્રીજા એડિશનલ સેશન્સ જજ મીતલકુમાર રસિકભાઈ નાદપરાની કોર્ટમાં આ સેશન્સ કેસ નંબર ૨૦/૨૦૨૨ ચાલી જતાં, અદાલતે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા:

આરોપી ૧: સલીમભાઈ ઈલ્યાસભાઈ કમોરા (રહે. નીરૂબેન નગર, માળિયા મિયાણા)

આરોપી ૨: અનવરભાઈ ઈકબાલભાઈ કમોરા (રહે. નીરૂબેન નગર, માળિયા મિયાણા)

બંને આરોપીઓને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ-૩૦૨ અને ૧૧૪ મુજબના ગુના હેઠળ આજીવન કેદ (Life Imprisonment) ની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બંને આરોપીઓને રૂા. ૫,૦૦૦/- નો રોકડ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. અદાલતે આજે ૨૯ જૂન ૨૦૨૬ના રોજ ખુલ્લી કોર્ટમાં આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.

RELATED ARTICLES

Most Popular