HomeMorbiખેડૂતોની સંમતિ વિના હેવી વીજ લાઇન નાખવાના વિરોધમાં ટંકારા કોંગ્રેસ મેદાને: મામલતદારને...

ખેડૂતોની સંમતિ વિના હેવી વીજ લાઇન નાખવાના વિરોધમાં ટંકારા કોંગ્રેસ મેદાને: મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ટંકારા:મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીનમાંથી તેમની લેખિત સંમતિ વિના જ હેવી વીજ લાઇન પસાર કરવા અને મોટા થાંભલા ઊભા કરવાની ગતિવિધિઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે હવે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને આવી છે અને ટંકારા મામલતદારને એક સત્તાવાર આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી છે,

જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરતા ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ સંધાણી અને મહામંત્રી દુષ્યંત ભૂત દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં ખેડૂતોના હિતમાં કેટલીક મહત્વની માંગણીઓ મૂકવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં કરાયેલી મુખ્ય માંગણીઓ:

જમીનનું યોગ્ય વળતર: અસરગ્રસ્ત ખેડૂતોને જંત્રીના આધારે નહીં, પરંતુ જમીનની વાસ્તવિક બજાર કિંમતના ચાર ગણા વળતરની ચૂકવણી કરવામાં આવે.

થાંભલા દીઠ વળતર: જે ખેડૂતોની જમીનમાં હેવી વીજ લાઇનના થાંભલા ઊભા કરવામાં આવે, તેમને પ્રતિ થાંભલા રૂ. ૨ કરોડનું વળતર ચૂકવવામાં આવે.

માસિક ભાડું: વીજ લાઇન અને થાંભલાના કારણે જમીનના સતત ઉપયોગ બદલ અસરગ્રસ્ત ખેડૂતોને દર મહિને યોગ્ય ભાડું ચૂકવવામાં આવે. લેખિત સંમતિ અનિવાર્ય: ખેડૂતોની લેખિત સંમતિ વિના કોઈપણ પ્રકારની કામગીરી કે કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.

“અમે વિકાસના વિરોધી નથી, પરંતુ ખેડૂતોના હિતોની અવગણનાના વિરોધી છીએ.” — ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ

કોંગ્રેસ અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતોની આ ન્યાયસંગત માંગણીઓ સ્વીકારીને તેમને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે અને કામગીરી અટકાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં ખેડૂતોના હિતોના રક્ષણ માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular