HomeMorbiમોરબીમાં સરકારી માલસામાનની ગુમસુદગી કે ચોરી?
મોરબીમાં સરકારી માલસામાનની ગુમસુદગી કે ચોરી?
લીલાપર આવાસ યોજનાના હોલમાંથી એલ્યુમિનિયમ ટ્યુબલાઈટનો જથ્થો ગાયબ થતાં કોંગ્રેસ આક્રમક
મોરબી શહેરના લીલાપર આવાસ યોજનામાં આવેલા હોલમાંથી એલ્યુમિનિયમ બોક્સવાળી ટ્યુબલાઈટોનો મોટો જથ્થો રહસ્યમય રીતે ગાયબ થઈ જતાં રાજકારણ ગરમાયું છે. મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા આ ગંભીર મુદ્દે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૨૮-૦૯-૨૦૨૨ ના રોજ આ સ્થળે ટ્યુબલાઈટોનો મોટો જથ્થો પડેલો હતો, જેના સ્થાનિકો દ્વારા ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ જ્યારે જનપ્રતિનિધિ તરીકે સ્થળ મુલાકાત લેવામાં આવી ત્યારે ત્યાં એક પણ ટ્યુબલાઈટ જોવા મળી ન હતી. મોંઘી એલ્યુમિનિયમ ધાતુના કારણે આ જથ્થાની ચોરી થઈ હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્ર સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે, શું આ જથ્થો મહાનગરપાલિકા દ્વારા અન્ય કોઈ જગ્યાએ ખસેડવામાં આવ્યો છે, ભંગારમાં વેચી દેવાયો છે કે પછી ખરેખર તેની ચોરી થઈ છે? આ બાબતે સઘન તપાસ કરી, જો ચોરી થઈ હોય તો તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પત્ર દ્વારા કરવામાં આવી છે.