HomeMorbiમોરબીમાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્રની મિશન મોડમાં કામગીરી
મોરબીમાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્રની મિશન મોડમાં કામગીરી
સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓની સુરક્ષા માટે તબીબો અને આરોગ્ય સ્ટાફ સતત સેવારત
મોરબી જિલ્લામાં ભારે વરસાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા આરોગ્ય તંત્ર મિશન મોડમાં કાર્યરત બન્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તબીબો, આશા બહેનો, એ.એન.એમ. અને આરોગ્ય કર્મચારીઓ માતા અને બાળકની સુરક્ષા માટે સતત એલર્ટ રહી કામગીરી કરી રહ્યા છે.
ભારે વરસાદ અને પરિવહનની મુશ્કેલીઓ વચ્ચે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક સગર્ભા મહિલાની સફળ અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુને જરૂરી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી.
રસ્તાઓ બંધ હોવા છતાં કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તબીબી ટીમે વિવિધ વિસ્તારોમાં પહોંચી ગર્ભવતી મહિલાઓની ઘર-મુલાકાત લીધી હતી. સાથે જ પરિવારજનોને સંસ્થાકીય પ્રસૂતિના મહત્વ અંગે સમજાવી જરૂરી કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માટેલ ગામમાં હાઈ-રિસ્ક પોસ્ટ નેટલ કેર (High-Risk PNC) હેઠળની માતાની સ્થિતિ ગંભીર જણાતા ઢુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તબીબોએ જરૂરી તપાસ, સારવાર અને માર્ગદર્શન આપી માતાના સ્વાસ્થ્યની દેખરેખ રાખી હતી.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભારે વરસાદની આપત્તિ વચ્ચે પણ કોઈપણ સગર્ભા મહિલા કે નવજાત શિશુ આરોગ્ય સેવાથી વંચિત ન રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આશા બહેનો, એ.એન.એમ. અને મેડિકલ ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં સતત સતર્ક રહી આરોગ્ય સેવાઓ પહોંચાડી રહી છે.