HomeMorbiજુગારધામ રેડ બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ: ટંકારા પોલીસના બે કર્મચારીઓની તાત્કાલિક બદલી
જુગારધામ રેડ બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ: ટંકારા પોલીસના બે કર્મચારીઓની તાત્કાલિક બદલી
સજનપર નજીક આવેલી ઓમ વિલામાં કચ્છ બોર્ડર રેન્જ પોલીસ દ્વારા હાઈ-પ્રોફાઇલ જુગારધામ પર પાડવામાં આવેલી રેડના પડઘા હવે પોલીસ વિભાગ સુધી પહોંચ્યા છે. રેડ બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના બે પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી પશ્ચિમ કચ્છ, ભુજ ખાતે બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ કચ્છ બોર્ડર રેન્જ પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ સજનપર નજીક આવેલી ઓમ વિલામાં ચાલતા હાઈ-પ્રોફાઇલ જુગારધામ પર સફળ રેડ પાડવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ હવે પોલીસ વિભાગમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલાની તાત્કાલિક અસરથી પશ્ચિમ કચ્છના ભુજ ખાતે બદલી કરવામાં આવી છે. બંને કર્મચારીઓને સોમવારે રાત્રે અંદાજે 9 વાગ્યે ટંકારા પોલીસ સ્ટેશનમાંથી રિલીવ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેથી તેઓ નવી ફરજ પર હાજર થઈ શકે.
આ બદલી પાછળનું ચોક્કસ કારણ પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. તેમ છતાં, ઓમ વિલામાં થયેલી હાઈ-પ્રોફાઇલ જુગારધામની રેડ બાદ આ નિર્ણય લેવામાં આવતા પોલીસ વર્તુળોમાં અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. સત્તાવાર સ્પષ્ટતા ન હોવા છતાં, સમગ્ર ઘટનાક્રમને રેડ બાદની મહત્વપૂર્ણ વહીવટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે.