HomeMorbiઆંદરણા ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશની ગેંગના બે તસ્કરો ઝડપાયા
આંદરણા ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશની ગેંગના બે તસ્કરો ઝડપાયા
મોરબીના આંદરણા ગામે બંધ મકાનમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ મોરબી એલસીબીએ ઝડપી ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ. ૪.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ફરાર સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ આંદરણા ગામે રહેતા કમલેશભાઇ મેરામણભાઇ બોરાણાના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે દરવાજાના નકુચા તોડી ઘૂસણખોરી કરી હતી. કબાટના લોક તોડી સોના-ચાંદીના આભૂષણો, રોકડ રકમ અને ઘડિયાળ મળી કુલ રૂ. ૭,૩૬,૯૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ટેકનીકલ સોર્સ અને સીસીટીવી ફુટેજના આધારે કડક તપાસ ઘરફોડ ચોરીની ગંભીરતાને ધ્યાને લઈ LCB પોલીસ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા તથા પરપ્રાંતીય મજૂરો અને અગાઉ ગુનામાં સંકળાયેલા શંકાસ્પદોની ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી. મોરબી-વાંકાનેર રોડ પર આવેલી ફેક્ટરીઓ સામે ઈંટોના ગડદા બનાવવાનું કામ કરતા પરપ્રાંતીય મજૂરો શંકાના ઘેરામાં આવ્યા હતા. આરોપીઓ દિવસ દરમિયાન ગામડાઓમાં પગપાળા ફરીને બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે તાળા તોડી ચોરી કરતા હોવાની તેમની મોડસ ઓપરેન્ડી (M.O.) બહાર આવી હતી. સઘન પૂછપરછમાં આરોપીઓએ કુલ ૦૫ જણાએ ભેગા મળી આ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા અને ફરાર આરોપીઓ પોલીસે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની એવા સમરસિંગ ઉર્ફે સમીર કાલુસિંગ દેવકા (ઉં.વ. ૩૩) અને સુરેશ ઉર્ફે સુરો ભુરસિંગ દેવકા (ઉં.વ. ૨૬) ની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંકળાયેલા અન્ય સાગરીતો અંતરસિંગ મકવાણા, રમેશ કાલુસિંગ દેવકા અને દિલીપ માના અનારે રહે. બધા મધ્યપ્રદેશવાળાને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી સોનાના મંગળસૂત્ર, બુટ્ટી, પેન્ડલ, ચેઇન, વીંટી, ચાંદીના કડા અને મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૪,૫૩,૬૦૦/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.