HomeMorbiગૌરક્ષકો અને મોરબી પોલીસનું સંયુક્ત ઓપરેશન: કતલખાને ધકેલાતા ૧૦ મૌન જીવોને ઉગારી...
ગૌરક્ષકો અને મોરબી પોલીસનું સંયુક્ત ઓપરેશન: કતલખાને ધકેલાતા ૧૦ મૌન જીવોને ઉગારી મોરબી પાંજરાપોળ આશ્રય અપાયો
માળીયા-અણીયારી ચોકડી પાસે ફિલ્મી ઢબે પીછો કરી બોલેરો પીકઅપમાંથી ૧૦ જીવો મુક્ત, બે આરોપીઓની અટકાયત
માળીયા અને અણીયારી ચોકડી નજીક મોરબી તથા ચોટીલા ગૌરક્ષકો અને વિવિધ સનાતની સંગઠનો દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. કચ્છ બાજુથી માળીયા અને હળવદ થઈને અમદાવાદ તરફ એક ટાટા પીકઅપ ગાડી (નંબર: GJ -0 -ZZ -2533) માં દોરડા વડે ક્રૂરતાપૂર્વક ટૂંપા દઈને ૧૦ જેટલા જીવોને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી ગૌરક્ષકોને મળી હતી.
આ બાતમીના આધારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની તેમજ ચોટીલા અને લીંબડી ગૌરક્ષકોની ટીમે માળીયા ખાતે વોચ ગોઠવી હતી. સંદિગ્ધ વાહન પસાર થતાં જ ગૌરક્ષકોએ તેનો પીછો કરી અણીયારી ચોકડી પાસે ગાડીને રોકી લીધી હતી. વાહનની તપાસ કરતા અંદર ઘાસ-પાણી કે કોઈ પાસ-પરમિટ વગર અતિ ક્રૂરતાપૂર્વક બાંધેલા જીવો મળી આવ્યા હતા.
ગાડીના ડ્રાઇવરે પૂછપરછમાં આ જીવો કચ્છના અંજારથી અમદાવાદ ઢોર બજારમાં કતલ અર્થે લઈ જવાતા હોવાની કબૂલાત કરી હતી, જેથી ગૌરક્ષકોએ ઘટનાસ્થળેથી જ બે આરોપીઓ સહિત વાહનને ઝડપી લીધું હતું.
આ સફળ કામગીરી બાદ તુરંત જ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બંને આરોપીઓને તાબે લીધા હતા અને તમામ ૧૦ જીવોને સલામત રીતે મુક્ત કરાવી મોરબી પાંજરાપોળ ખાતે આશ્રય અર્થે મોકલી આપ્યા હતા. આ સમગ્ર ઓપરેશનમાં મોરબી તાલુકા પોલીસ અધિકારીઓ અને પ્રશાસન તરફથી ખૂબ જ બિરદાવવા લાયક અને સકારાત્મક સહયોગ સાંપડ્યો હતો. મોરબી અને ચોટીલા ગૌરક્ષા ટીમ સહિત ગુજરાત રાજ્યના તમામ સહયોગી સંગઠનો અને સાથીઓના આ અથાક પ્રયાસોથી ૧૦ મૂંગા જીવોને નવજીવન મળ્યું છે.