HomeMorbiલાંચ કેસમાં માળિયાના પૂર્વ હેડ કલાર્કને ૫ વર્ષની સખત કેદ અને દંડની...
લાંચ કેસમાં માળિયાના પૂર્વ હેડ કલાર્કને ૫ વર્ષની સખત કેદ અને દંડની સજા: મોરબી કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
મોરબી: માળિયા (મી) સીએચસી કેન્દ્રના નિવૃત્ત સ્ટાફ નર્સ પાસે તેમના હક્ક રજા, જીપીએફ અને વીમા વગેરેના બીલો મંજૂર કરાવવાના બદલામાં રૂ. ૧૫,૦૦૦ની લાંચ માગવાના પ્રકરણમાં મોરબીની અદાલતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એસીબીના છટકામાં ઝડપાયેલા તત્કાલીન હેડ કલાર્ક પ્રવીણકુમાર હાજાભાઈ વાજાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવીને ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ, માળિયા (મી) સીએચસી ખાતેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર મહિલા કર્મચારી પાસે આરોપી હેડ કલાર્કે નાણાંની માગણી કરી હતી, જે પૈકી અગાઉ આપેલા નાણાં ઉપરાંત વધુ રૂ. ૫,૦૦૦ની માગણી કરાતા ગોઠવેલા એસીબીના છટકામાં આરોપીઓ ઝડપાઈ ગયા હતા. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ એન. ડી. કારીયા તથા મદદનીશ સરકારી વકીલે હાજર રહી ધારદાર રજૂઆતો કરી હતી.
કેસમાં રજૂ કરાયેલા ૮ મૌખિક અને ૪૨ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ મોરબીના બીજા એડિશનલ સેશનલ જજ કમલ રસીકલાલ પંડ્યાએ આરોપી સામેનો ગુનો સાબિત માનીને આ કડક સજા સંભળાવી હતી. આ સાથે જ જપ્ત કરાયેલી લાંચની રકમ રૂ. ૫,૦૦૦ સરકાર દાખલ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.