HomeMorbiમોરબીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ
મોરબીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ
મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટ અને એડિશનલ સેશન્સ જજ ભૂમિકાબેન કનૈયાલાલ ચંદારાણા દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. સગીર વયની દીકરીનું અપહરણ કરી તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં અદાલતે આરોપી વનરાજસિંહ ઉર્ફે નનુભા બચુભા ઝાલાને ગુનેગાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૨૫,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને વળતર પેટે રકમ ચૂકવવાનો પણ અદાલતે આદેશ કર્યો છે.
સરકારી વકીલોની ઉત્કૃષ્ટ કામગીરી અને ધારદાર રજૂઆત
આ સમગ્ર કેસમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજીસ્ટર નંબર ૦૬૩૭/૨૦૨૪ અન્વયે સરકાર પક્ષે કેસને મજબૂતીથી રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ સંજય સી. દવે, નિરજ ડી. કારીયા તથા મદદનીશ સરકારી વકીલએ ખૂબ જ સરાહનીય અને નિષ્ઠાપૂર્વકની કામગીરી બજાવી હતી. સરકાર પક્ષના વકીલોએ આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે અદાલત સમક્ષ ૨૯ મૌખિક સાક્ષીઓની જુબાની અને ૩૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી કેસને શંકાથી પર સાબિત કરી બતાવ્યો હતો.
દંડની રકમમાંથી ભોગ બનનારને વળતર ચૂકવાશે
સરકારી વકીલોની દલીલો અને રજૂ કરાયેલા નક્કર પુરાવાઓને ધ્યાને રાખી પોકસો અદાલતે આરોપીને પોકસો એક્ટની કલમ-૬ હેઠળ ૨૦ વર્ષની જેલ અને દંડ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ૩ વર્ષની કેદની સજા સંભળાવી છે. આરોપી દ્વારા ભરેલા રૂા. ૨૫,૦૦૦ ના દંડમાંથી ૫૦% રકમ (રૂા. ૧૨,૫૦૦) ભોગ બનનારને ચૂકવવા તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબી દ્વારા વધારાનું રૂા. ૨૫,૦૦૦ નું વળતર ચૂકવવાનો પણ સ્પષ્ટ આદેશ આદેશપત્રમાં કરવામાં આવ્યો છે.