HomeMorbiગેરકાયદે માંસ-મટનના વેચાણ સામે મોરબીમાં જનઆક્રોશ: જાહેર રસ્તાઓ પર કતલખાના બંધ કરાવવા...
ગેરકાયદે માંસ-મટનના વેચાણ સામે મોરબીમાં જનઆક્રોશ: જાહેર રસ્તાઓ પર કતલખાના બંધ કરાવવા પાલિકા કમિશનરને રજૂઆત
મોરબીના શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ તથા કુબેરનાથ મેઇન રોડ વિસ્તારના શાકાહારી અને સ્થાનિક નાગરિકોએ ખુલ્લેઆમ ચાલી રહેલા માંસ-મટનના ગેરકાયદે વેચાણ સામે મોરચો માંડ્યો છે. સ્થાનિક રહીશોએ ભેગા મળી મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને જાહેર રસ્તાઓ પર ધમધમતી અનધિકૃત હાટડીઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવા જોરદાર માગણી કરી છે.
આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ‘ધી ગુજરાત એનીમલ પ્રિઝરવેશન એક્ટ ૧૯૫૪’ ના નિયમો અને કોઈપણ સક્ષમ અધિકારીની મંજૂરી વગર ખુલ્લેઆમ ભેંસ, પાડા, ઘેટાં, બકરા અને મરઘાની કતલ કરવામાં આવી રહી છે. કતલ કર્યા બાદ લોહી અને હાડકાં ગટરોમાં ફેંકી દેવાતાં તીવ્ર દુર્ગંધ ફેલાય છે. પરિણામે સ્થાનિક પરિવારજનો અને રાહદારીઓને નાક પર રૂમાલ રાખીને પસાર થવાની નોબત આવી છે.
આ વિસ્તારમાં અનેક શાળાઓ આવેલી હોવાથી રોજેરોજ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો પસાર થાય છે, જેમના પર આ દ્રશ્યોની માફકસર વિપરીત અસર પડે છે. સાથોસાથ રાજશાહી વખતના પ્રાચીન ધાર્મિક મંદિરો આવેલા હોવાથી સનાતની નાગરિકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે. તે ઉપરાંત, વેપારીઓ દ્વારા મોટી બૂમો પાડીને રાહદારીઓને અસહનીય ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે.
રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તાર રેસિડેન્ટ છે અને અહીં મોટા ભાગની વસ્તી હિન્દુ નાગરિકોની છે. શોપ લાઈસન્સના બહાને પણ કોઈ જ પ્રકારનું અનધિકૃત વેચાણ ન થવા દેવાય અને કાયદાનો અમલ કરાવી તમામ ગેરકાયદેસર કતલખાનાઓ કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે તેવી નમ્ર અપીલ તંત્રને કરવામાં આવી છે.