HomeMorbiમોરબી તાલુકા પોલીસે ગુમ થયેલ બાળકની શોધખોળ કરી વાલીને સોંપ્યો
મોરબી તાલુકા પોલીસે ગુમ થયેલ બાળકની શોધખોળ કરી વાલીને સોંપ્યો
મોરબી તાલુકાના સ્પેનસેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી ૩ વર્ષના બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી અર્ચનાબેન રાજુભાઈના જણાવ્યા મુજબ, તેમના પરિચિત સંતોષભાઈ નવલાભાઈ બાળક અંતાક્ષને રમકડા લેવા માટે સાથે લઈ ગયા હતા. બાદમાં ઘણો સમય વીતી જવા છતાં બાળક ઘરે ન આવતા અને સંપર્ક ન થઈ શકતા પરિવારે ગભરાઈને અપહરણ અંગેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનીકલ માધ્યમોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે સંતોષભાઈ બાળકને લઈને ચરાડવા ગામથી એમ.પી. જતી બસમાં બેસી ગયા હતા. પોલીસે ટીમ બનાવી એમ.પી. ખાતે તપાસ અર્થે મોકલી અને સતત લોકેશન ટ્રેસિંગ ચાલુ રાખ્યું હતું. બાળક અને સંતોષભાઈ એમ.પી. સ્થિત પોતાના ઘરે સુરક્ષિત પહોંચ્યા બાદ આ સમગ્ર મામલા પાછળનો ખુલાસો થયો હતો.
સંતોષભાઈએ પોલીસને જણાવ્યું કે તેમની માતાની તબીયત ખરાબ હોવાથી તેઓ ઉતાવળમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા અને અંતાક્ષને પણ પોતાની સાથે લઈ ગયા હતા. આ અંગે તેમણે બાળકના પિતા રાજુભાઈને જાણ કરી હતી, પરંતુ ફરિયાદી અર્ચનાબેનને તેની જાણ ન હોવાથી અને ફોન સ્વીચ ઓફ આવતા ગેરસમજના કારણે આ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ૨૪ કલાક જેટલા ટૂંકા સમયગાળામાં બાળકને સકુશળ હસ્તગત કરી તેના વાલીવારસને સોંપી દીધો હતો.