HomeMorbiહત્યાના પ્રયાસના ગુનામાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીના નિયમિત જામીન મંજૂર કર્યા
હત્યાના પ્રયાસના ગુનામાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીના નિયમિત જામીન મંજૂર કર્યા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં અટકાયત કરવામાં આવેલ આરોપી રીતેશ શેરસિંઘ કાનેશ (ઉંમર ૨૨ વર્ષ, રહે. ખેડા, મછલીયા જીર, તા. રાણાપુર, જી. ઝાબુઆ, મ.પ્ર.) ની જામીન અરજી મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ. એલ. વ્યાસ સાહેબની કોર્ટે મંજૂર કરી છે. આરોપી સામે ગળાના ભાગે છરી વડે ઈજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન આરોપી તરફથી વિદ્વાન એડવોકેટ ડી. વી. કુંડારીયા રોકાયેલા હતા. તેઓએ કોર્ટ સમક્ષ ધારદાર રજૂઆતો કરતા જણાવ્યું હતું કે આરોપીને ખોટી રીતે કેસમાં સપડાવી દેવામાં આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને તેઓ ભયમુક્ત છે. વધુમાં, ટ્રાયલ ચાલવામાં સમય લાગશે અને આરોપી પોતાના પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય છે.
નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને લઈ તથા સર્વોચ્ચ અદાલતના “જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે” ના સિદ્ધાંતને અનુસરીને, રૂ. ૫૦,૦૦૦/- ના અંગત મુચલકા અને યોગ્ય શરતોને આધીન આરોપીના નિયમિત જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે.