HomeMorbiમહેન્દ્રનગરના બિસ્માર રસ્તાઓને લઈ તંત્ર સામે રોષ : કમિશનરને રજૂઆત, કાર્યવાહી નહીં...

મહેન્દ્રનગરના બિસ્માર રસ્તાઓને લઈ તંત્ર સામે રોષ : કમિશનરને રજૂઆત, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

મોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં.૩માં આવતા મહેન્દ્રનગર વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની જતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. રસ્તાઓ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો, રાહદારીઓ, વૃદ્ધો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે.

આ અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ બી. ગામી દ્વારા મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં મહેન્દ્રનગરના બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી માત્ર કાગળ પર કામગીરી બતાવવાને બદલે ગુણવત્તાયુક્ત અને ટકાઉ રિપેરિંગ કામ કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ જનતાના ટેક્સના નાણાંથી બનેલા રસ્તાઓની યોગ્ય જાળવણી થાય તે માટે તંત્રને અપીલ કરવામાં આવી છે.

“રસ્તા આપો, ખાડા નહીં — નાગરિકોની સુરક્ષા સાથે સમાધાન નહીં” તેવી ચીમકી આપતાં મુકેશભાઈ ગામીએ જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાગરિકોના હિતમાં વધુ ઉગ્ર રજૂઆતો સાથે આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. આ સ્થિતિ ઊભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે તેવી રજૂઆતમાં ચેતવણી આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular