HomeMorbiમોરબીમાં ‘સામું શું જુએ છે?’ કહેતાં ઉશ્કેરાયો શખ્સ, યુવક પર છરીથી હુમલો

મોરબીમાં ‘સામું શું જુએ છે?’ કહેતાં ઉશ્કેરાયો શખ્સ, યુવક પર છરીથી હુમલો

મોરબીના ભડીયાદ વિસ્તારમાં માત્ર સામે જોવાની નજીવી બાબતે બોલાચાલી બાદ યુવક પર છરી વડે હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. ‘સામું શું જુએ છે?’ કહી ઉશ્કેરાયેલા શખ્સે યુવક પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં છરી પકડવાનો પ્રયાસ કરતા યુવકના જમણા હાથની હથેળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ સામાકાંઠે આવેલી હરીઓમ સોસાયટીમાં રહેતા અને છૂટક પ્લમ્બિંગનું કામ કરતા શૈલેષભાઈ કેશુભાઈ વાણીયા (ઉં.વ. 34) દુકાનેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન માહી એપાર્ટમેન્ટ પાસે ઉભેલા મહિપત ઉર્ફે ભૂરાભાઈ રવજીભાઈ વાઘેલા સામે શૈલેષભાઈએ જોતા તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ‘સામું શું જુએ છે?’ કહી ગાળો આપવા લાગ્યો હતો.

શૈલેષભાઈએ કોઈ જવાબ ન આપતા ભૂરાએ પોતાની પાસે રહેલી છરી વડે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શૈલેષભાઈએ છરી પકડવાનો પ્રયાસ કરતા તેમના જમણા હાથની હથેળીમાં ઈજા થઈ હતી. યુવકની બૂમાબૂમ સાંભળી તેના પિતા તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને વધુ હુમલાથી બચાવી ઘરે લઈ ગયા હતા. આટલું જ નહીં, ફરિયાદ મુજબ આરોપી ભૂરો પોતાના અન્ય સાથીદારો સાથે યુવકના ઘર પાસે પણ પહોંચ્યો હતો અને ત્યાં બૂમાબૂમ કરી હતી. સમગ્ર બનાવ અંગે શૈલેષભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular