HomeMorbiમોરબીમાં રેતી ખનન સામેની કાર્યવાહી બની વિવાદનું કારણ! ખાણખનિજ અધિકારીને ગાડી ચડાવી...
મોરબીમાં રેતી ખનન સામેની કાર્યવાહી બની વિવાદનું કારણ! ખાણખનિજ અધિકારીને ગાડી ચડાવી દેવાની ધમકી
સાદુકા ગામે જપ્ત કરાયેલા વાહનો છોડાવ્યાનો આક્ષેપ, કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ પાસે અધિકારીને રોકી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
મોરબી જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે ખાણખનિજ વિભાગની કાર્યવાહી દરમિયાન સરકારી અધિકારીઓ સાથે ઘર્ષણ થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સાદુકા ગામે મચ્છુ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન અંગે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જપ્ત કરવાનાં વાહનો બળજબરીથી છોડાવી જવા તેમજ ત્યારબાદ જિલ્લા ખાણખનિજ અધિકારીને રસ્તામાં રોકી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી અને જિલ્લા ખાણખનિજ અધિકારી જગદીશકુમાર સેમાભાઈ વાઢેરને સાદુકા ગામે મચ્છુ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે માઇન્સ સુપરવાઇઝર વિપુલભાઈ કંદોઈ અને તેમની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન બે ખાલી ટ્રક, એક લોડર ટ્રેક્ટર અને એક એક્સેવેટર મશીન જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, સ્થળ પર આવેલા શખ્સોએ ટીમ સાથે માથાકૂટ કરી ગાળાગાળી કર્યા બાદ જપ્ત કરાયેલા વાહનો બળજબરીથી છોડાવી ગયાનો આક્ષેપ છે.
આ ઘટનાના અનુસંધાને જિલ્લા ખાણખનિજ અધિકારી જગદીશકુમાર વાઢેર અને તેમના ડ્રાઇવર વિશાભભાઈ ચૌહાણ સરકારી બોલેરો ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ પાસે બલભદ્રસિંહ ઉર્ફે બબુભા જીવુભા ઝાલાએ પોતાની સફેદ ફોર્ચ્યુનર કારથી તેમની ગાડી રોકાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીએ વાહનો કેમ પકડ્યાં તેવો સવાલ કરી જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી અને રોડ પર મળશો તો ગાડી ચડાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે જગદીશકુમાર વાઢેરે બલભદ્રસિંહ ઉર્ફે બબુભા જીવુભા ઝાલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.