HomeMorbiવાંકાનેર લક્ષ્મીપરામાં પ્રેમલગ્નના મનદુઃખમાં પરિવાર પર હુમલો, યુવકના માથામાં લાકડી ફટકારી લોહીલુહાણ...
વાંકાનેર લક્ષ્મીપરામાં પ્રેમલગ્નના મનદુઃખમાં પરિવાર પર હુમલો, યુવકના માથામાં લાકડી ફટકારી લોહીલુહાણ કર્યો
વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં. ૨માં પ્રેમલગ્નના મનદુઃખને લઈને ત્રણ શખ્સોએ એક પરિવાર સાથે ઝઘડો કરી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. લાકડી અને બેલ્ટ વડે હુમલો કરી પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચાડ્યાનો આક્ષેપ છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા શાહીનબેન વાસીમભાઈ અમરેલીયાના દિયર તનવીરભાઈએ અલ્ફેઝ અલીમામદ માણેકીયાના મામી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખીને ગઈકાલે રાત્રે અલ્ફેઝ માણેકીયા, તેનો મિત્ર મેહુલ ઠાકોર અને અન્ય એક અજાણ્યો શખ્સ મોટરસાઈકલ લઈને તનવીરભાઈના ઘર પાસે આવીને ઉભા રહ્યા હતા. પરિવારજનોએ રાત્રિના સમયે ત્યાં ઉભા રહેવાનું કારણ પૂછતાં જ ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ગાળો આપી ઝપાઝપી શરૂ કરી દીધી હતી. ઝઘડા દરમિયાન અલ્ફેઝે મોટરસાઈકલમાંથી લાકડી કાઢી વાસીમભાઈના માથામાં ફટકારી દીધી હતી, જેનાથી તેમને લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજા થઈ હતી. આ સાથે અજાણ્યા શખ્સ બેલ્ટ વડે શાહીનબેન તથા તેમના પુત્ર અયાનને ઢોરમાર મારવા લાગ્યો હતો. શેરીના લોકોએ વચ્ચે પડીને પરિવારને વધુ મારથી બચાવતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ મામલે શાહીનબેને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.