HomeMorbiહળવદમાં ‘સ્પા’ની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ: ડમી ગ્રાહકથી પોલીસનું છટકું, સંચાલક...
હળવદમાં ‘સ્પા’ની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિનો પર્દાફાશ: ડમી ગ્રાહકથી પોલીસનું છટકું, સંચાલક ઝડપાયો
હળવદના રાણેકપર ચોકડી પાસે સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકની મદદથી દરોડો પાડી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન સ્પા સંચાલક ઝડપાયો હતો, જ્યારે મુખ્ય માલિક હાજર ન મળતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ રાણેકપર ચોકડી પાસે વિશ્વાસ આર્કેડના બીજા માળે આવેલા ‘ટુ કેર લક્ઝરીયસ સ્પા’માં બોડી મસાજના ઓથા હેઠળ અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ડમી ગ્રાહક મોકલી છટકું ગોઠવવામાં આવ્યું હતું. સંકેત મળતા જ પોલીસે સ્પા પર દરોડો પાડી સંચાલક રોહિતજી દલસંગજી વાઘેલા (રહે. હળવદ, મૂળ ડીસા)ને ઝડપી લીધો હતો.
પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે સ્પાનો મુખ્ય માલિક વિષ્ણુભાઈ પ્રતાપભાઈ ગોહરીયા (રહે. કારેલા, તા. લખતર) હાજર મળી આવ્યો ન હતો. હળવદ પોલીસે ITPA-1956ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.