HomeMorbiમોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર થશે રૂ. ૧.૭૦...

મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર થશે રૂ. ૧.૭૦ લાખની સહાય: ઓનલાઈન અરજી કરવા અનુરોધ

મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ગરીબી રેખા હેઠળ જીવતા ઘરવિહોણા પરિવારોને પોતાના સ્વપ્નનું પાકું ઘર પૂરું પાડવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણના સીધા માર્ગદર્શન હેઠળ ‘ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના’ અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી અરજીઓ આવકારવામાં આવી રહી છે.

આ કલ્યાણકારી યોજના હેઠળ ખુલ્લો પ્લોટ ધરાવતા, તદ્દન કાચું, ઘાસ-માટી કે કુબા ટાઈપનું અયોગ્ય રહેઠાણ ધરાવતા તેમજ મકાન માલિકની સંમતિથી પ્રથમ માળ પર નવું મકાન બાંધવા માંગતા અનુસૂચિત જાતિના રહીશોને કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની આર્થિક સહાય તબક્કાવાર ચાર (૪) હપ્તામાં પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક અરજદારોએ રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને પોર્ટલ પર દર્શાવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી સાધન-કાગળો અપલોડ કરવાના રહેશે.

યોજના અંગે વધુ વિગતો કે માર્ગદર્શન મેળવવા માટે રૂમ નં. ૨૧૭, સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત કચેરી-મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular