HomeMorbiમોરબી ડેપોમાં અમદાવાદથી આવેલી એસ.ટી. બસમાંથી મૃતદેહ મળ્યો: હાથ પર લખેલું છે...
મોરબી ડેપોમાં અમદાવાદથી આવેલી એસ.ટી. બસમાંથી મૃતદેહ મળ્યો: હાથ પર લખેલું છે ‘શૈલેન્દ્રકુમાર’ – પોલીસ દ્વારા વાલીવારસની શોધ
મોરબીના નવા એસ.ટી. બસ સ્ટેશન ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત તા. ૨૭ જુલાઈના રોજ મોડાસાથી મોરબી તરફ આવતી એસ.ટી. બસ (નંબર GJ-18- ZT-4415) બપોરે આશરે ૩:૩૦ વાગ્યે મોરબી ડેપો ખાતે પહોંચી હતી. બસ મોરબી પહોંચતા તમામ મુસાફરો ઉતરી ગયા હતા, પરંતુ બસના કંડક્ટર જ્યારે રૂટનું બોર્ડ બદલવા માટે પાછળની સીટ તરફ ગયા ત્યારે એક અજાણ્યો યુવક સીટ પર સુતેલી હાલતમાં જોવા મળ્યો હતો. કંડક્ટરે તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના શરીરમાં કોઈ હલનચલન ન જણાતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતે મોત (અ.મોત નં. ૫૨/૨૦૨૬) નોંધાવીને મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ વર્ણન મુજબ મૃતક યુવક પાતળા બાંધાનો, ઘઉં વર્ણો રંગ, લાંબા કાળા વાળ, કાળી મૂંછ અને આછી દાઢી ધરાવે છે. કપડાંમાં તેણે ગ્રે કલરનું નાઇટી પેન્ટ તથા બજરીયા કલરનો ઝીણી પ્રિન્ટિંગ ડિઝાઇનવાળો આખી બંયનો શર્ટ પહેરેલો છે. તેના જમણા હાથે ઉપરના ભાગે ત્રણ સ્ટાર અને ‘શૈલેન્દ્રકુમાર’ (હિંન્દીમાં) તથા કલાઈ પર ‘S’ અક્ષર ત્રોફાવેલ છે, જ્યારે ડાબા હાથના બાવડા પર પણ ટેટુ બનેલું છે.
મૃતક અજાણ્યા પુરુષ અમદાવાદથી બસમાં બેસીને મોરબી આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ મૃતકના કોઈ વાલી-વારસ મળી આવ્યા ન હોવાથી, જો કોઈ પણ વ્યક્તિ આ યુવકના ટેટુ કે શરીરના નિશાનો પરથી તેને ઓળખતા હોય અથવા તેના પરિવાર અંગે માહિતી ધરાવતા હોય, તો તપાસ કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. વાણીયા (મો.નં. ૯૦૮૧૩ ૮૭૯૩૫) અથવા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન (ટેલી.નં. ૦૨૮૨૨-૨૨૬૦૫૩ / ૬૩૫૯૬ ૨૬૦૫૩) પર તાત્કાલિક સંપર્ક કરવા પોલીસ તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.