HomeMorbiડેમી-2ના દરવાજા ખુલતા નવા નીરના વધામણા: ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની હાજરીમાં હેઠવાસમાં 514...
ડેમી-2ના દરવાજા ખુલતા નવા નીરના વધામણા: ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની હાજરીમાં હેઠવાસમાં 514 ક્યુસેક પાણી છોડાયું, 10 ગામોને એલર્ટ
ટંકારા: ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલા ડેમી-2 સિંચાઈ યોજનાના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવાના હેતુથી આજે સવારે 10:00 વાગ્યે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. ડેમના દરવાજા ખુલતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનોએ નવા નીરના વધામણા કરીને વરસાદી પાણીના આગમનને આવકાર્યો હતો.
મળતી માહિતી મુજબ ડેમી-2 જળાશયનું હાલનું જળસ્તર 44.80 ફૂટ છે અને ગ્રોસ જળસંગ્રહ 161.14 એમસીએફટી નોંધાયો છે. હાલમાં જળાશયમાં 122 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ચેકડેમોને ભરવા માટે ગેટ નંબર-02 ખોલીને હેઠવાસમાં 514 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમમાંથી પાણી છોડાતા સિંચાઈ વિભાગે હેઠવાસના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે. સેક્શન ઓફિસર, ડેમી-2 સિંચાઈ યોજના દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ પાણીના પ્રવાહથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
ચેતવણી હેઠળના ગામોમાં ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ અને ડાયમંડનગર-બેલા તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનું ગામનો સમાવેશ થાય છે. સ્થાનિકોને અનાવશ્યક રીતે નદીના પટમાં પ્રવેશ ન કરવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.