HomeMorbiમોરબીમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના ટ્રેક્ટરમાં 13 વર્ષનો બાળમજૂર ઝડપાયો, શ્રીજી એજન્સીના કોન્ટ્રાક્ટર...

મોરબીમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના ટ્રેક્ટરમાં 13 વર્ષનો બાળમજૂર ઝડપાયો, શ્રીજી એજન્સીના કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ

મોરબી શહેરમાં બાળમજૂરી સામે જિલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ અને મદદનીશ શ્રમ આયુક્તની કચેરીએ સંયુક્ત ચેકિંગ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. પરસોત્તમ ચોક અને રવાપર રોડ વિસ્તારમાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે ફરતા ટ્રેક્ટર (MP-45-AC-4214)ની તપાસ દરમિયાન માત્ર 13 વર્ષનો સગીર બાળક હેલ્પર તરીકે કામ કરતો મળી આવ્યો હતો.

બાળકની ઉંમરની ખાતરી માટે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. તપાસમાં બાળમજૂરીની પુષ્ટિ થતાં સગીર અંકિત નીનામાને કામમાંથી મુક્ત કરાવી સમાજ સુરક્ષા અધિકારીના પ્રતિનિધિને સોંપવામાં આવ્યો હતો.

સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોત્તમભાઈ જોષીની ફરિયાદના આધારે મોરબી મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટર શ્રીજી એજન્સીઝના પ્રોપ્રાઇટર રમેશચંદ્ર ખીમાભાઈ ઝોરા (રહે. અમદાવાદ) સામે બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમની કલમ 3 અને 14 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એ- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કોન્ટ્રાક્ટની શરતો મુજબ બાળમજૂરી ન કરાવવાની સંપૂર્ણ જવાબદારી એજન્સીની હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થતાં તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular