HomeMorbiલાલપર નજીક સ્પા પર પોલીસનો દરોડો: નિયમોના ભંગ બદલ સંચાલક સામે ગુનો...
લાલપર નજીક સ્પા પર પોલીસનો દરોડો: નિયમોના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરાઈ
મોરબીમાં સ્પા સંચાલન માટેના કાયદાકીય નિયમોના ઉલ્લંઘન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. લાલપર નજીક આવેલા એક સ્પામાં પોલીસ દરોડા દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવતા સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.
મોરબી-વાંકનેર નેશનલ હાઈવે પર લાલપર ગામની સીમમાં આવેલી રીજેન્ટા હોટલ પાછળ સંસેરા ચેમ્બર્સમાં ચાલતા ‘પી.ડી. સ્પા એન્ડ વેલનેસ’ પર મોરબી તાલુકા પોલીસની ટીમે રેડ પાડી હતી. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતી મહિલા કર્મચારીઓના બાયોડેટા ફોર્મ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ ફરજિયાત ત્રણ મહિનાના CCTV કેમેરાના રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ ન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
આ ઉપરાંત સ્પાનું જરૂરી લાયસન્સ પણ રજૂ કરી શકાયું ન હતું. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ પોલીસે સ્પાના સંચાલક કિરીટસિંહ સાહેબસિંહ ગોહિલ (ઉં.વ. 50, રહે. શક્તિનાળા, મોરબી) સામે BNS કલમ-223 હેઠળ ગુનો નોંધી અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.