HomeMorbiમોરબીના ટાઇલ્સ ઉદ્યોગપતિને શેરબજાર-IPOના નામે કરોડોની ઠગાઈ: રૂ.1.54 કરોડ ફસાયા
મોરબીના ટાઇલ્સ ઉદ્યોગપતિને શેરબજાર-IPOના નામે કરોડોની ઠગાઈ: રૂ.1.54 કરોડ ફસાયા
મોરબીના રવાપર રોડ પર રહેતા ટાઇલ્સ ઉદ્યોગપતિને શેરબજાર અને IPOમાં ઊંચા વળતરની લાલચ આપી સાયબર ઠગોએ રૂ.1.58 કરોડનું રોકાણ કરાવ્યું હતું. રૂ.4 લાખ પરત મળ્યા બાદ બાકીના રૂ.1.54 કરોડથી વધુની રકમ ફસાઈ જતા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા અને ટાઇલ્સ બનાવવાનું કારખાનું ધરાવતા વેપારી વિશાલ ભરતભાઈ મણવર એ આરોપી અનન્ય શ્રીનીવાસન તથા અન્ય પાંચ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૪માં વોટ્સએપ કોલ દ્વારા અનન્યા શ્રીનિવાસન નામના વ્યક્તિએ ઉદ્યોગપતિનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેણે ‘EXSECMAX’ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી અને ’16 Wealth Growth Community’ નામના વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરીને IPO ટ્રેડિંગના નામે ભરોસો કેળવ્યો હતો. આ પછી જુલાઈ અને ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન પીડિત પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૧,૫૮,૧૦,૦૦૦/- ની માતબર રકમનું રોકાણ કરાવી લેવાયું હતું. રોકાણ કર્યા બાદ પીડિતને એપ્લિકેશનમાં માત્ર વર્ચ્યુઅલ નફો દેખાડવામાં આવતો હતો. તેમાંથી માત્ર રૂ. ૪ લાખ જ પરત મળ્યા હતા, જ્યારે બાકીના રૂ. ૧,૫૪,૧૦,૦૦૦/- ની રકમ ફસાઈ ગઈ હતી. રૂપિયા પરત લેવાનો પ્રયાસ કરતા ઠગબાજોએ સંપર્ક કાપી નાખ્યો હતો અને વોટ્સએપ ગ્રૂપ પણ સસ્પેન્ડ કરી દીધું હતું. સમગ્ર મામલે મોરબી પોલીસે અનન્યા શ્રીનિવાસન અને તેના સહયોગીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.