HomeMorbiમોરબીમાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026ના પૂર્વ-આયોજન અર્થે વિશેષ ગોષ્ઠિ: પૂજ્ય સ્વામી શ્રીવિજ્ઞાનાનંદજીનું...
મોરબીમાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026ના પૂર્વ-આયોજન અર્થે વિશેષ ગોષ્ઠિ: પૂજ્ય સ્વામી શ્રીવિજ્ઞાનાનંદજીનું આગમન
આગામી ડિસેમ્બર 2026માં મુંબઈના ‘જિઓ વર્લ્ડ’ ખાતે વૈશ્વિક સ્તરે ‘વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ’નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ વૈશ્વિક મહાસંમેલનના હેતુઓ અને મહત્ત્વ વિશે પ્રદેશભરમાં જાગૃતિ લાવવા માટે તેના મુખ્ય શિલ્પી તેમજ આઈ.આઈ.ટી. ખડગપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી પૂજ્ય સ્વામી શ્રીવિજ્ઞાનાનંદજી ઓગસ્ટ માસમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન મોરબી ખાતે તેમની ઉપસ્થિતિમાં એક વિશેષ વાર્તાલાપ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાય અને ઉદ્યોગપતિઓને વૈશ્વિક નેતૃત્વ સાથે જોડવાનો છે.
આ કાર્યક્રમ આગામી રવિવાર, 23 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે 08:15 કલાકે મોરબી-રાજકોટ હાઈવે પર શક્ત શનાળા ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાશે.
આ મંચ દ્વારા હિન્દુ સમુદાય આર્થિક રીતે સક્ષમ બને, જીઓપોલિટિકલ ક્ષેત્રે જાગૃત થાય અને ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે. વધુમાં, વિશ્વના દેશોમાં સ્થાયી થયેલા હિન્દુ ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંપર્ક સાધીને સ્થાનિક વ્યવસાયોને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની વિશિષ્ટ તકો અંગે પણ માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે.
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ માત્ર વિચારોના આદાન-પ્રદાન પૂરતી સીમિત ન રહેતાં, નક્કર પરિણામલક્ષી યોજનાઓ સાથે કામ કરતી સંસ્થા છે. મોરબીના ઉદ્યોગપતિઓ, પ્રબુદ્ધ નાગરિકો અને સકારાત્મક યોગદાન આપવા ઈચ્છુક તમામ મહાનુભાવોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આયોજકો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.