HomeMorbiરૂ. 6 લાખના ચેક રિટર્ન કેસમાં મોરબી અદાલતનો મોટો ફેંસલો: વકીલોની ધારાદાર...
રૂ. 6 લાખના ચેક રિટર્ન કેસમાં મોરબી અદાલતનો મોટો ફેંસલો: વકીલોની ધારાદાર દલીલોથી આરોપી તમામ આક્ષેપોમાંથી મુક્ત
મોરબીની બીજા એડિશનલ J.M.F.C. અદાલતના વિદ્વાન જજ શ્રીમતી શબાનાબાનુ અબ્દુલરઝાક મેમણ દ્વારા રૂ.૬ લાખના ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ટંકારા તાલુકાના ગજ્ડી ગામના ભુપતભાઇ હીરાભાઇ જારીયાએ મોરબીના રંગપર ગામના આશિષકુમાર ચંદુલાલ પટેલ સામે મિત્રતાના નાતે લીધેલા રૂ. ૬,૦૦૦,૦૦૦/- ની રકમ સામે આપેલો ચેક “Fund Insufficient” ના શેરા સાથે પરત ફરતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં બચાવ પક્ષના વિદ્વાન એડવોકેટ ડી. વી. કુંડારીયા અને એડવોકેટ ધારા વી. કુંડારીયા (મોરબી) એ અદાલતમાં ધારાદાર દલીલો રજૂ કરી હતી. તેમણે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે પ્રોમિસરી નોટ મુજબ નાણાં ચૂકવવાની ૧૨૦ દિવસની મુદત પૂર્ણ થાય તે પહેલાં જ (સમયમર્યાદા પહેલાં – Premature Complaint) ફરિયાદીએ ઉતાવળે કેસ દાખલ કરી દીધો હતો. તીક્ષ્ણ ઉલટ તપાસ દરમિયાન ફરિયાદીએ પણ પોતે કાયદેસરનું લેણું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું અને મુદત પૂરી થયા પહેલા કેસ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું.
બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને અદાલતે બચાવ પક્ષના વકીલો ડી. વી. કુંડારીયા અને ધારા વી. કુંડારીયાની દલીલો માન્ય રાખી હતી. કોર્ટે ઠરાવ્યું હતું કે ફરિયાદી સમયમર્યાદા પહેલા કેસ દાખલ કરીને કાયદેસરનું લેણું સાબિત કરી શક્યા નથી. આથી અદાલતે આરોપી આશિષકુમાર ચંદુલાલ પટેલને તમામ તહોમતોમાંથી સન્માનપૂર્વક સંપૂર્ણ નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો આખરી હુકમ કર્યો છે.