HomeMorbiમોરબીના ઉમિયા સર્કલ પર ટ્રાફિકનો ‘બ્રેક’! રૂ. 57 કરોડના ખર્ચે 700 મીટરનો...

મોરબીના ઉમિયા સર્કલ પર ટ્રાફિકનો ‘બ્રેક’! રૂ. 57 કરોડના ખર્ચે 700 મીટરનો ઓવરબ્રિજ બનશે, ચોમાસા બાદ કામ શરૂ થવાના સંકેત

મહાનગર બન્યા બાદ મોરબીમાં વિકાસને વેગ: કેનાલ રોડ-શનાળા રોડના ક્રોસિંગની કાયમી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ઓવરબ્રિજની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ

મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના વિકાસને ધીમો પરંતુ મક્કમ વેગ મળી રહ્યો છે.

શહેરના બાગ-બગીચાઓની કાયાપલટ સાથે હવે ટ્રાફિક વ્યવસ્થામાં પણ મોટા ફેરફારોની દિશામાં કામગીરી આગળ વધી રહી છે. સામાકાંઠા વિસ્તારને જોડતા બે મહત્વના પુલને મંજૂરી મળ્યા બાદ શહેરના સૌથી વ્યસ્ત એવા ઉમિયા સર્કલ ખાતે ઓવરબ્રિજ બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ આકાર પામ્યો છે.

મોરબી શહેરમાં સિરામિક સહિતના વિવિધ ઉદ્યોગોના વિકાસ સાથે વસ્તી અને વાહનોની સંખ્યામાં સતત વધારો થયો છે. બીજી તરફ શહેરના ઘણા માર્ગો વર્ષોથી એ જ સ્થિતિમાં રહેતા ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ખાસ કરીને રાજકોટ-મોરબી રોડ પર શહેરના પ્રવેશદ્વાર સમાન ઉમિયા સર્કલ ખાતે સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિક રહેતો હોવાથી વાહનચાલકોને વારંવાર ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.

રૂ.57 કરોડના ખર્ચે 700 મીટરનો ઓવરબ્રિજ

ઉમિયા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા ઓવરબ્રિજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ આશરે રૂ.57 કરોડના ખર્ચે 700 મીટર લાંબા ઓવરબ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે અને ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ચોમાસું પૂર્ણ થયા બાદ ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઓવરબ્રિજ જીત ગેઇટથી શરૂ થઈ માર્કેટિંગ યાર્ડ નજીક પૂર્ણ થશે, જેથી રાજકોટ તરફથી મોરબી શહેરમાં પ્રવેશતા અને શહેરમાંથી બહાર જતા વાહનોને ઉમિયા સર્કલના ભારે ટ્રાફિકમાંથી રાહત મળી શકશે.

બંને તરફ સર્વિસ રોડ, કેનાલ રોડના વાહનોને પણ રાહત

ઓવરબ્રિજની બંને તરફ અંદાજે 7થી 9 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે. જેના કારણે કેનાલ રોડ તરફ આવન-જાવન કરતા વાહનચાલકોને ઓવરબ્રિજ પર ચઢવાની જરૂર નહીં પડે અને તેઓ સર્વિસ રોડ મારફતે સરળતાથી અવરજવર કરી શકશે.

ઉપરાંત ભવિષ્યમાં વાહનોની સંખ્યામાં થનારા વધારાને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજનો મુખ્ય સ્પાન અંદાજે 45 મીટર લાંબો રાખવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

નટરાજ ફાટક બાદ હવે ઉમિયા સર્કલનો વારો

મોરબી નગરપાલિકાના સમયથી જ નટરાજ ફાટક અને ઉમિયા સર્કલની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ઓવરબ્રિજ બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. નટરાજ ફાટક ઓવરબ્રિજનું કામ હાલ પૂર્ણતાના આરે પહોંચ્યું છે ત્યારે હવે ચોમાસા બાદ ઉમિયા સર્કલ ઓવરબ્રિજનું કામ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉમિયા સર્કલ, કેનાલ રોડ અને શનાળા રોડના ક્રોસિંગ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં મોટાપાયે ઘટાડો થવાની આશા છે. જોકે, ઓવરબ્રિજનું બાંધકામ પૂર્ણ થવામાં અંદાજે બે વર્ષનો સમય લાગી શકે છે, જેથી કામકાજ દરમિયાન આસપાસના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાને લઈને શહેરીજનોને થોડા સમય માટે અગવડનો સામનો કરવો પડી શકે છે.

RELATED ARTICLES

Most Popular