HomeMorbiમોરબી LCBનો સપાટો: મોટા દહીસરામાં નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 4 ઝડપાયા
મોરબી LCBનો સપાટો: મોટા દહીસરામાં નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 4 ઝડપાયા
માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે LCB-પેરોલ ટીમની મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે મહેશ ઉર્ફે મુન્નાભાઈ કાંજિયા અને અજયસિંહ જાડેજાના કબજા-ભોગવટાના મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ ભેગા મળી કેમિકલમાંથી નકલી દારૂ બનાવી કાચની બોટલોમાં પેકેજિંગ કરતા હોવાની હકીકતના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા LCB PI તથા LCB-પેરોલ ટીમે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અને માળિયા પોલીસની ટીમ સાથે પંચોની હાજરીમાં બંને મકાનોમાં વારાફરતી રેડ કરી હતી.
રેડ દરમિયાન 2 ડ્રમમાંથી આશરે 400 લીટર આલ્કોહોલ જેવું કેમિકલ, જ્યારે અન્ય એક ડ્રમમાંથી કેમિકલ, પાણી, કલર, એસેન્સ અને પ્રિઝર્વેટિવ જેવું મિશ્ર દ્રવ્ય આશરે 200 લીટર મળી આવ્યું હતું. ઉપરાંત પ્રવાહી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટર, પ્લાસ્ટિકની નળીઓ, આલ્કોહોલની ક્ષમતા માપવાનું મીટર સહિત બોટલિંગ -પેકેજિંગ માટેની સામગ્રી મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી આશરે 1,400 જેટલી ખાલી બોટલો, બોટલના બુચ, બારકોડ અને QR કોડના સ્ટીકર, પાણીના 20 લીટરના જગ, બ્લેન્ડર સ્પ્રાઈડ વ્હિસ્કીના સ્ટીકર અને પુઠ્ઠા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બજારમાં પહોંચે તે પહેલાં નકલી દારૂનો જથ્થો ઝડપાયો
બજારમાં વેચાણ માટે તૈયાર કરાયેલી 750 એમએલની નકલી બ્લેન્ડર સ્પ્રાઈડ વ્હિસ્કીની 23 પેટીઓ, રોકડ રૂ. 6.50 લાખ તથા સુઝુકી કંપનીની વિક્ટોરીઝ કાર સહિત કુલ આશરે રૂ. 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહીમાં કુલ ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. માનવ જિંદગી માટે જોખમી બની શકે તેવો નકલી દારૂ બજારમાં પહોંચે તે પહેલાં જ LCB-પેરોલ ટીમે કથિત નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે.