HomeMorbiપ્યાસીઓ ચેતજો! મોરબીમાં મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાનું કારસ્તાન ઝડપાયું
પ્યાસીઓ ચેતજો! મોરબીમાં મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાનું કારસ્તાન ઝડપાયું
મોરબીમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો દ્વારા દારૂના વેચાણ માટે નવા નવા અખતરા કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં દરોડો પાડી મોંઘી બ્રાન્ડની જૂની ખાલી બોટલોમાં હલકી ગુણવત્તાનો દારૂ ભરી વેચાણ કરવાનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. પોલીસની કાર્યવાહી દરમિયાન હન્ડ્રેડ પાઈપર બ્રાન્ડની 750 મિલીની 8 ભરેલી બોટલો મળી આવી હતી, જ્યારે ગ્રીન લેબલ વ્હીસ્કીની 180 મિલીની 35 ખાલી બોટલો મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વિશિપરામાં ધોળેશ્વર રોડ વિસ્તારમાં સાજીદ કાદરભાઈ લધાણી જૂની મોંઘી શરાબની બોટલોમાં હલકી ગુણવત્તાનો દારૂ ભરી તેનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક સ્થળે દરોડો પાડતા હન્ડ્રેડ પાઈપર બ્રાન્ડની 750 મિલીની 8 બોટલો, જેની કિંમત રૂ.4,520 હોવાનું જણાવાયું છે, મળી આવી હતી. સાથે જ ગ્રીન લેબલ વ્હીસ્કીની 180 મિલીની 35 ખાલી બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલો બદલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જોકે, દરોડા સમયે આરોપી સાજીદ લધાણી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસના હાથે ઝડપાયો નહોતો. પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.