HomeMorbiમોરબી મનપાની કાલે સામાન્ય સભા: 8 મુદ્દાઓ પર થશે મંથન, મહત્વના નામકરણથી...
મોરબી મનપાની કાલે સામાન્ય સભા: 8 મુદ્દાઓ પર થશે મંથન, મહત્વના નામકરણથી લઈ સ્ટોર્મ વોટર લાઈન સુધી નિર્ણય
મોરબી મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભા શુક્રવાર, તા. 11 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 10 વાગ્યે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના બીજા માળે આવેલા મિટિંગ હોલમાં યોજાશે. સામાન્ય સભામાં વિવિધ વિકાસલક્ષી તથા વહીવટી મુદ્દાઓ પર ચર્ચા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવશે.
સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવશે. ત્યારબાદ શનાળા બાયપાસ રોડ પર ભક્તિનગર સર્કલથી નવલખી ફાટક ઓવરબ્રિજ સુધીના માર્ગને ‘SVMS સ્વામીનારાયણ માર્ગ’ નામ આપવા અંગે વિચારણા થશે.
આ ઉપરાંત મનપામાં ભળેલા નવ પંચાયત વિસ્તારોના ટેક્સની ગણતરી માટે A, B અને C લોકેશન ગ્રેડ નક્કી કરવા, રવાપર-ઘુનડા રોડ પર કર્તવ્ય જીવદયા કેન્દ્ર પાસે આવેલા સર્કલના નામકરણ તેમજ બાયપાસ ચોકડીથી પંચાસર તરફ જતા માર્ગ પર ગેટ બનાવવાની મંજૂરી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
વરસાદી પાણીના નિકાલ માટે પણ મહત્વનો નિર્ણય
મોરબીમાં વરસાદી પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે એપોલો હોલ નજીક તેમજ શનાળા ગામમાં સ્ટોર્મ વોટર લાઈન નાખવા અંગે પણ સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત સ્વ. ગોકળદાસ ડોસાભાઈ પરમારના સ્મરણાર્થે ગોકુલનગર-લાઈન્સનગર મેઈન રોડને ‘ગોકળદાસ પરમાર રોડ’ નામ આપવા, તેમજ તેમના સ્મરણાર્થે ગાર્ડન વિકસાવી સ્ટેચ્યુ સ્થાપવા અંગેનો મહત્વનો પ્રસ્તાવ પણ સભામાં રજૂ થશે. આમ, નામકરણ, ટેક્સ લોકેશન ગ્રેડ, રોડ-ગેટ, વરસાદી પાણીના નિકાલ અને સ્મારક વિકાસ સહિતના આશરે 8 જેટલા મુદ્દાઓ પર મોરબી મનપાની સામાન્ય સભામાં ચર્ચા અને નિર્ણય થવાનો છે.