HomeMorbiઅધિકારીઓ-પદાધિકારીઓ વચ્ચેના ટકરાવમાં સમિતિના ચેરમેનને વોટ્સએપ ગ્રુપમાંથી રીમુવ કરતા મોરબી મનપામાં ભડકો
અધિકારીઓ-પદાધિકારીઓ વચ્ચેના ટકરાવમાં સમિતિના ચેરમેનને વોટ્સએપ ગ્રુપમાંથી રીમુવ કરતા મોરબી મનપામાં ભડકો
મોરબી મહાનગરપાલિકામાં અધિકારીઓ અને શાસક પક્ષના પદાધિકારીઓ વચ્ચેનો આંતરિક અસંતોષ અને સંકલનનો અભાવ હવે સપાટી પર આવ્યો છે. તાજેતરમાં સુરજ બાગના લોકાર્પણ પ્રસંગે નિમંત્રણ પત્રિકામાં બાગ-બગીચા સમિતિના ચેરમેન અલ્પાબેન કંઝારીયાનું નામ ગાયબ હોવાથી વિવાદ સર્જાયો હતો. ભારે રોષ બાદ બીજી પત્રિકા છાપવી પડી હતી, પરંતુ લોકાર્પણ ટાણે મંત્રી કાંતિભાઈ સમક્ષ ચેરમેને સીધો જ આક્ષેપ કર્યો હતો કે “અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે અને પદાધિકારીઓને ગણકારતા નથી.” મંત્રીએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વિવાદ એટલેથી અટક્યો ન હતો.
સામાન્ય સભા બાદ યોજાયેલી બેઠકમાં પણ અધિકારીઓની મનમાની સામે વિરોધનો સૂર ગૂંજ્યો હતો. પોતાના જ વોર્ડના વિકાસકામો કે કાર્યક્રમોની સમયસર જાણ ન કરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ઘર્ષણ એ હદે વકર્યું કે 52 કોર્પોરેટરો, કમિશનર અને ડેપ્યુટી કમિશનરના ઓફિશિયલ MMC વોટ્સએપ ગ્રુપમાં તીખી રકઝક થઈ હતી. પરિણામે, બાગ-બગીચા સમિતિના ચેરમેનને ગ્રુપમાંથી રિમુવ કરી દેવાતા શાસક પક્ષમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. આ અપમાનજનક પગલાના વિરોધમાં અન્ય કોર્પોરેટરોએ પણ નારાજગી દર્શાવી સામેથી ગ્રુપમાથી રીમુવ થઈ ગયા હતા.
અધિકારીઓની આવી બેફામ નીતિ-રીતિ સામે પદાધિકારીઓએ અગાઉ મેયરને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સત્તાધારી પક્ષમાં જ ભારે અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે યોગ્ય સંકલનના અભાવે પાલિકાનું શાસન ખોરવાયું હોવાના ચર્ચાસ્પદ દ્રશ્યો સર્જાયા છે. વિવાદના કેન્દ્રસ્થાને રહેલા ચેરમેન અલ્પાબેન કંઝારીયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો ફોન બંધ આવતો હતો, જેથી મહાનગરપાલિકામાં અંદરોઅંદરનો સંગ્રામ વધુ ઘેરો બન્યો હોવાના સંકેતો મળી રહ્યા છે.