HomeMorbiસબસિડી અરજીમાં બેદરકારી બદલ જના સ્મોલ ફાયનાન્સ બેંકને 2.67 લાખ વ્યાજ સાથે...
સબસિડી અરજીમાં બેદરકારી બદલ જના સ્મોલ ફાયનાન્સ બેંકને 2.67 લાખ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ
મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા ગ્રાહક હિતમાં એક મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો છે. ફરિયાદીએ ૨૯ નવેમ્બર ૨૦૨૦ ના રોજ જના સ્મોલ ફાયનાન્સ બેંકમાંથી હોમલોન મેળવી હતી, જેના પર નિયમ મુજબ સરકારી સબસિડી મળવાપાત્ર હતી. જોકે, બેંક અને તેના કર્મચારીઓ દ્વારા સબસિડીની અરજી નિયત સમયમર્યાદામાં અપલોડ કરવામાં ભારે બેદરકારી અને વિલંબ દાખવવામાં આવ્યો હતો. આ ભૂલના પરિણામે ફરિયાદીને સરકારી સબસિડીના લાભથી વંચિત રહેવું પડ્યું હતું.
બેંકની આ સેવાકીય ક્ષતિ સામે ફરિયાદીએ આયોગના દ્વાર ખખડાવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના વકીલો દ્વારા બેંકની ગંભીર બેદરકારી સામે ધારદાર રજૂઆતો અને કાયદાકીય દલીલો કરવામાં આવી હતી. આયોગે તમામ પુરાવાઓ ધ્યાને લઈ તા. ૨૭/ ૦૭/ ૨૦૨૬ ના રોજ આ ફરિયાદ મંજૂર કરી હતી અને જના સ્મોલ ફાયનાન્સ બેંક તથા તેના જવાબદાર અધિકારીઓને સબસિડીની રકમ રૂ. ૨,૬૭,૦૦૦/- વ્યાજ અને કેસના ખર્ચ સહિત ફરિયાદીને ચૂકવી આપવાનો આદેશ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરિયાદી તરફે મોરબીના યુવા વકીલ યોગેશ આર. પારેજીયા, હર્ષ એ. ભીમાણી, બી.બી. વીંઝવાડિયા તથા પાર્થકુમાર એચ. બરાસરા રોકાયેલ હતા. ગ્રાહકના અધિકારોનું જતન કરતો આ ચૂકાદો બેંકિંગ ક્ષેત્રે બેદરકારી દાખવનાર સંસ્થાઓ માટે લાલબત્તી સમાન સાબિત થયો છે.