HomeMorbiમોરબી પોકસો કોર્ટનો મહત્વનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની...

મોરબી પોકસો કોર્ટનો મહત્વનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦નો દંડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૨૧માં બનેલી અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કેસની ટૂંકી વિગત મુજબ, ૨૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ આરોપી અલ્તાફભાઈ યાસીનભાઈ મોવર (ઉં.વ. ૨૪) નામના શખ્સે ૧૭ વર્ષ અને ૫ માસની સગીરાનું વાલીપણામાંથી બદકામ કરવાના અને લગ્ન કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના પરિવારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

સ્પેશીયલ જજ (પોકસો કોર્ટ) અને એડીશ્નલ સેશન્સ જજ શ્રીમતી ભૂમિકા કનૈયાલાલ ચંદારાણાની અદાલતમાં આ કેસ ચાલવા પર આવતા, સહાયક સરકારી વકીલ નિરજભાઈ કારીઆની દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. અદાલતે પોકસો એક્ટની કલમ-૬ હેઠળ આરોપી અલ્તાફ મોવરને ૨૦ વર્ષની સખત કેદ તથા રૂ. ૨૫,૦૦૦ના દંડનો હુકમ કર્યો છે. આ ઉપરાંત, ગુજરાત ભોગ બનનારને વળતર આપવાની યોજના હેઠળ પીડિત સગીરાને કુલ રૂ. ૪,૨૫,૦૦૦ વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીને આદેશ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular