HomeMorbiમહાનગરપાલિકાના મેગા ડિમોલિશનમાં ‘ભોજન’નો વિવાદ: 400 માટે વ્યવસ્થા છતાં કર્મચારીઓને 3:30 વાગ્યા...

મહાનગરપાલિકાના મેગા ડિમોલિશનમાં ‘ભોજન’નો વિવાદ: 400 માટે વ્યવસ્થા છતાં કર્મચારીઓને 3:30 વાગ્યા સુધી જમવાનું ન મળ્યાનો ગણગણાટ!

મોરબી: પંચાસર રોડ પર સાવરની પાળ વિસ્તારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવવાની આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના આશરે 150 અને પોલીસના 250 જેટલા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલી કામગીરી વચ્ચે ફરજ પરના કર્મચારીઓ માટે કરવામાં આવેલી ભોજન વ્યવસ્થાને લઈને ગણગણાટ જોવા મળ્યો હતો.

મળતી માહિતી મુજબ, વહેલી સવારે 6:30 વાગ્યાથી જ મનપા અને પોલીસનો સ્ટાફ ફરજ પર હાજર થઈ ગયો હતો. કામગીરી દરમિયાન સતત ફરજ બજાવ્યા બાદ બપોરના સમયે કર્મચારીઓ ભોજનની રાહ જોઈ રહ્યા હતા. ભોજનની થાળીઓ 12:30થી 1 વાગ્યા બાદ આવવાનું શરૂ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ ભોજનની વ્યવસ્થા કટકે-કટકે પહોંચતા કેટલાક કર્મચારીઓને લાંબો સમય રાહ જોવી પડી હોવાની ચર્ચા છે.

ફરજ પરના એક કર્મચારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, ભોજનની થાળીઓ છેક 3:30 વાગ્યા સુધી આવતી રહી હોવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે કેટલાક થાકેલા કર્મચારીઓ ભોજનની રાહ જોવાને બદલે પોતાની રીતે બહાર જમવા ગયા હોવાની પણ ચર્ચા છે. 3:30 વાગ્યા સુધી પાછળથી આવતા કર્મચારીઓ માટે ભોજનની વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઉઠ્યા હતા.

‘400 લોકો માટે સંપૂર્ણ વ્યવસ્થા હતી, પહેલી ડીશ મેં જાતે ચેક કરી હતી’: કમિશનર

આ સમગ્ર મામલે મોરબી મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા અગાઉથી જ પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી. ડિમોલિશન કામગીરીમાં જોડાયેલા આશરે 400 જેટલા લોકો માટે ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભોજન શરૂ થયું ત્યારે પહેલી ડીશ તેમણે જાતે ચેક કરી હતી, જેમાં તમામ વાનગીઓ પૂરતા પ્રમાણમાં પીરસવામાંઆવી હતી

એક તરફ કમિશનર દ્વારા ભોજનની પૂરતી વ્યવસ્થા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ફરજ પરના કેટલાક કર્મચારીઓને સમયસર ભોજન ન મળ્યાની ચર્ચાએ મનપાની વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.

RELATED ARTICLES

Most Popular