HomeMorbiમોરબીમાં Google Pay ખોલતાં જ યુવકના ખાતામાંથી રૂ. 80 હજારની ઉચાપત
મોરબીમાં Google Pay ખોલતાં જ યુવકના ખાતામાંથી રૂ. 80 હજારની ઉચાપત
મોરબીના વિસીપરામાં રહેતા બિહારના શ્રમિક સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. Google Payમાં બેંક બેલેન્સ ચેક કરતી વખતે ખાતામાંથી રૂ. 80 હજાર ટ્રાન્સફર થયાની જાણ થતાં ચકચાર મચી છે. સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ બાદ રૂ. 8 હજાર હોલ્ડ થયા, બાકીની રકમ ન મળતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ.
મોરબી શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક બનાવ સામે આવ્યો છે. વિસીપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 29 વર્ષીય બડેલાલ પ્રસાદના બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી અજાણ્યા શખ્સોએ કુલ રૂ. 80 હજારની રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાની ફરિયાદ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના પિઠોરી ગામના વતની બડેલાલ પ્રસાદ મોરબીના વિસીપરા લાયન્સનગરમાં ચરમરીયા દાદાના મંદિર પાસે ભાડાના મકાનમાં પરિવાર સાથે રહે છે. તેઓ ઘરે હાજર હતા ત્યારે પોતાના મોબાઈલમાં Google Pay એપ્લિકેશન ખોલીને બેંક ઓફ ઈન્ડિયાના ખાતાનું બેલેન્સ ચેક કર્યું હતું. તે સમયે તેમના ખાતામાં રૂ. 3,36,766 જેટલી રકમ જમા હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે, આ દરમિયાન તેમના ખાતામાંથી બે અલગ-અલગ UPI ID મારફતે રકમ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ મુજબ, રાકેશ નામના વ્યક્તિના PhonePe ID મારફતે રૂ. 50 હજાર અને અમજતખાન નામના વ્યક્તિના UPI ID મારફતે રૂ. 30 હજાર મળી કુલ રૂ. 80 હજારની રકમ ઉપાડી લેવામાં આવી હતી.
આ અંગે બડેલાલ પ્રસાદે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રૂ. 8 હજારની રકમ હોલ્ડ થઈ હતી, પરંતુ બાકીની રકમ પરત ન મળતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318 તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66-C હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.