HomeMorbiમોરબી : દિવાળીના તહેવારો વચ્ચે સીરામીક ઉદ્યોગ પર ગેસના ભાવવધારાનો વધુ એક...

મોરબી : દિવાળીના તહેવારો વચ્ચે સીરામીક ઉદ્યોગ પર ગેસના ભાવવધારાનો વધુ એક બોજ, ઉદ્યોગકારોની ચિંતામાં વધારો

મોરબીનો વિશ્વપ્રસિદ્ધ સીરામીક ઉદ્યોગ એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં નબળી માંગ અને નિકાસની મંદી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે બીજી તરફ પ્રોપેન ગેસના ભાવવધારાએ ઉદ્યોગકારોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ગત 19 ઓક્ટોબરે પ્રોપેનના ભાવમાં પ્રતિ મેટ્રિક ટન રૂ.7,300નો વધારો થયા બાદ હવે કોન્ફિડેન્સ પેટ્રોલિયમની ગો ગેસ કંપનીએ વધુ રૂ.3,000નો ભાવવધારો ઝીંક્યો છે. 28 ઓક્ટોબર, 2026ની મધ્યરાત્રિથી અમલી બનેલા આ વધારા સાથે મોરબી માટે પ્રોપેનનો ભાવ ભાડા સહિત પ્રતિ મેટ્રિક ટન રૂ.1,00,950 સુધી પહોંચી ગયો છે. દિવાળીના સમયે જ ઉત્પાદન ખર્ચમાં થયેલા આ વધારાને પગલે સીરામીક ઉદ્યોગકારો માટે તહેવારની ખુશી વચ્ચે આર્થિક ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

પ્રોપેનના ભાવમાં સતત વધારો, ઉત્પાદન ખર્ચ વધવાની ભીતિ

મોરબી સીરામીક ક્લસ્ટરમાં ગુજરાત ગેસના નેચરલ ગેસ ઉપરાંત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL), ભારત પેટ્રોલિયમ (BPCL), ગો ગેસ અને એજીસ સહિતની કંપનીઓ દ્વારા પ્રોપેન ગેસનો પુરવઠો કરવામાં આવે છે. તાજેતરમાં સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે ગો ગેસે પણ ભાવવધારો અમલી બનાવ્યો છે. પરિણામે ગેસ આધારિત ઉત્પાદન કરતા સીરામીક એકમો પર ખર્ચનું દબાણ વધવાની શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને આયાત ખર્ચમાં વધારાનું કારણ

કોન્ફિડેન્સ પેટ્રોલિયમ કંપનીએ મોરબીના ગ્રાહકોને સંદેશ પાઠવી જણાવ્યું છે કે વિશ્વભરમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે આંતરરાષ્ટ્રીય પ્રોપેન બજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. વેસલના ભાડા, એસટીએસ ખર્ચ અને અન્ય આયાત સંબંધિત ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, વધેલા ખર્ચને ધ્યાનમાં લેતાં વધુ ભાવવધારો જરૂરી હોવા છતાં ગ્રાહકો, ડીલરો અને ઉદ્યોગકારો પર આર્થિક બોજ ઓછો રહે તે હેતુથી હાલ પ્રતિ મેટ્રિક ટન રૂ.3,000નો વધારો કરવામાં આવ્યો છે.

દહેજ અને પોરબંદરથી મોરબી સુધી ભાવ રૂ.1 લાખને પાર

કંપની દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ દહેજથી પ્રોપેનનો મૂળ ભાવ પ્રતિ મેટ્રિક ટન રૂ.97,100 અને ભાડું રૂ.3,850 થતાં કુલ ભાવ રૂ.1,00,950 થયો છે. જ્યારે પોરબંદરથી મોરબી માટે મૂળ ભાવ રૂ.98,350 અને ભાડું રૂ.2,600 સહિત કુલ ભાવ પણ પ્રતિ મેટ્રિક ટન રૂ.1,00,950 થયો છે.

નિકાસમાં મંદી વચ્ચે સીરામીક ઉદ્યોગની મુશ્કેલી વધી

હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસની ગતિ ધીમી હોવા અને સ્થાનિક બજારમાં પણ મંદીનો માહોલ હોવાની ઉદ્યોગ વર્તુળોમાં ચર્ચા છે. આવી સ્થિતિમાં સીરામીક ઉદ્યોગ માટે નેચરલ ગેસની સરખામણીએ આર્થિક રીતે અનુકૂળ ગણાતો પ્રોપેન પણ મોંઘો બનતાં ઉત્પાદન ખર્ચ વધવાની ચિંતા ઊભી થઈ છે. ગો ગેસ દ્વારા ભાવવધારો કરવામાં આવ્યા બાદ અન્ય પ્રોપેન સપ્લાયર કંપનીઓ પણ આગામી દિવસોમાં ભાવમાં વધારો કરી શકે તેવી શક્યતા સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

‘અબ કી બાર પ્રોપેન સો કે પાર’ની ચર્ચા!

પ્રોપેનના ભાવ પ્રતિ મેટ્રિક ટન રૂ.1 લાખને પાર થતાં ઉદ્યોગકારોમાં ચિંતાની સાથે આ ભાવવધારાને લઈને રમૂજી ટિપ્પણીઓ પણ થઈ રહી છે. વોટ્સએપ પર ‘અબ કી બાર પ્રોપેન સો કે પાર’ જેવા સૂત્રો ફરતા થયાની ચર્ચા છે. જોકે, આ પરિસ્થિતિમાં સીરામીક ઉદ્યોગકારો માટે સૌથી મોટો સવાલ એ છે કે વધતા ઇંધણ ખર્ચ, નબળી માંગ અને નિકાસની અનિશ્ચિતતા વચ્ચે ઉત્પાદન ખર્ચનું ગણિત કેવી રીતે જાળવવું.

દિવાળીના સમયે ગેસના ભાવમાં થયેલો આ વધારો મોરબીના સીરામીક ઉદ્યોગ માટે વધુ એક પડકાર બની રહ્યો છે. આગામી દિવસોમાં અન્ય કંપનીઓના ભાવમાં શું ફેરફાર થાય છે અને તેની અસર ઉત્પાદન ખર્ચ તથા ઉદ્યોગની સ્પર્ધાત્મકતા પર કેટલી પડે છે, તેના પર સૌની નજર રહેશે.

RELATED ARTICLES

Most Popular