HomeMorbiદારૂના ધંધા પર મોરબી તાલુકા પોલીસનો દરોડો: બેલા રંગપર પાસેથી લાખોનો જથ્થો...
દારૂના ધંધા પર મોરબી તાલુકા પોલીસનો દરોડો: બેલા રંગપર પાસેથી લાખોનો જથ્થો જપ્ત, એક ઝડપાયો એક આરોપી ફરાર
મોરબી: મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાતાં દારૂના ગેરકાયદે વેચાણના નેટવર્ક અંગે તપાસ શરૂ થઈ છે. ખોખરા હનુમાન મંદિર સામે ખુલ્લી જગ્યામાં ઊભેલી મહિન્દ્રા ટ્રકમાં રાખવામાં આવેલી વિદેશી દારૂની 924 બોટલ અને બીયરના 2,616 ટીન પોલીસે કબજે કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.18,16,396 હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ટ્રક પાસે બે શખ્સો હાજર હતા. પોલીસને જોઈ એક શખ્સ અંધારામાં નાસી છૂટ્યો હતો, જ્યારે પ્રતીકભાઈ જીવાભાઈ સોલંકી, રહેવાસી ધ્રાંગધ્રા, પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસ તપાસમાં ટ્રકના માલિક ધ્રુવ પરમાર (રહે. મોરબી)નું નામ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, તે દારૂનો જથ્થો ભરી વેચાણ માટે મોકલનાર મુખ્ય સૂત્રધાર છે અને હાલ ફરાર છે. હવે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ રાખી છે.