HomeMorbiટંકારા પોલીસનો વ્યાજખોરો સામે સપાટો: કુખ્યાત વ્યાજખોર પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં...
ટંકારા પોલીસનો વ્યાજખોરો સામે સપાટો: કુખ્યાત વ્યાજખોર પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલાયો
ટંકારા પંથકમાં વ્યાજખોરીના ગેરકાયદે કારોબાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વારંવાર વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા મીતાણા ગામના જયદીપ બાબુભાઈ બસીયા સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને મંજૂરી મળતા જયદીપ બસીયા વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.
આ વોરંટના આધારે ટંકારા પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીને ઝડપી પાડી પાસા એક્ટ હેઠળ ડિટેઇન કર્યો હતો અને આગળની કાર્યવાહી માટે સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો. વ્યાજખોરીના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે પોલીસની આ કાર્યવાહીથી આવા ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.