HomeMorbiપરિવાર સાથે ઉજવણીને બદલે ઇમરજન્સી સેવા માટે ખડેપગે રહેતા કર્મવીરોને મીઠાઈ સાથે...

પરિવાર સાથે ઉજવણીને બદલે ઇમરજન્સી સેવા માટે ખડેપગે રહેતા કર્મવીરોને મીઠાઈ સાથે સન્માનની મીઠાશ આપી યંગ ઇન્ડિયા ગ્રુપે ઉજવી દિવાળી

પોલીસથી લઈને સફાઈ કર્મચારીઓ, એસ.ટી., રેલવે અને ફાયરબ્રિગેડના જવાનો સહિત જાહેર સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓની રૂબરૂ મુલાકાત લઈ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

મોરબી : દિવાળીના પર્વમાં દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે આનંદની પળો વિતાવતી હોય છે, પરંતુ આ જ સમયે અનેક લોકો એવા પણ હોય છે, જેઓ તહેવારની રજાઓ અને પારિવારિક પ્રસંગોથી દૂર રહી નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે પોતાની ફરજ નિભાવતા હોય છે. જેમના માટે ડ્યુટી ઇઝ ફસ્ર્ટ ફેમેલી નેક્સ્ટ હોય છે એવા નિષ્ઠાવાન કર્મચારીઓની મહેનત અને સમર્પણને યોગ્ય માન આપવાના હેતુથી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીના અવસરે વિશેષ કૃતજ્ઞતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રુપના આ ‘કર્મવીર કૃતજ્ઞતા કાર્યક્રમ’માં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને મીઠાઈ આપીને તેમની સેવાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

સમાજમાં માનવતા, સંવેદના અને સેવાકાર્યોની ભાવના વિકસે તેવા પ્રયાસો માટે જાણીતું યંગ ઇન્ડિયા ગ્રુપ દર વર્ષે તહેવારોને સામાજિક જવાબદારી સાથે જોડીને ઉજવવાનો અભિગમ અપનાવે છે. આ વખતે ગ્રુપના સ્થાપક તથા માર્ગદર્શક ડો. દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળીની ખુશીઓ એવા લોકો સાથે વહેંચવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમની ફરજના કારણે નાગરિકો તહેવારો દરમિયાન સુરક્ષિત અને સુવિધાજનક જીવન જીવી શકે છે.

આ અભિયાનમાં પોલીસ વિભાગ, ટ્રાફિક પોલીસ, એસ.ટી. વિભાગ, નગરપાલિકા, ફાયરબ્રિગેડ, રેલવે, પેટ્રોલપંપ સહિતની વિવિધ જાહેર અને સરકારી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રુપના સભ્યોએ અલગ-અલગ સ્થળોએ જઈ કર્મચારીઓને મીઠાઈ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તહેવારના દિવસોમાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા, મુસાફરોની અવરજવર સુનિશ્ચિત કરવા, શહેરની સ્વચ્છતા જાળવવા, આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા અને આવશ્યક સેવાઓ ચાલુ રાખવા કાર્યરત કર્મચારીઓ માટે આ મુલાકાત આનંદદાયક બની હતી. તેમની ફરજ અને સેવાભાવને જાહેરમાં બિરદાવવામાં આવતાં કર્મચારીઓમાં પણ વિશેષ પ્રસન્નતા જોવા મળી હતી.

આ પ્રસંગે ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે દિવાળીને માત્ર ઘરની સજાવટ અને દીવડાઓના ઉત્સવ તરીકે જોવાને બદલે આંતરિક પરિવર્તનના પર્વ તરીકે સમજવી જોઈએ. અજ્ઞાન, અહંકાર, સ્વાર્થ, સંકુચિત વિચારસરણી અને સંવેદનહીનતાને દૂર કરીને મનમાં દયા, કરુણા, માનવતા તથા પરસ્પર જવાબદારીની ભાવના વિકસાવવાનો આ અવસર છે. પોતાના ઘરમાં પ્રકાશ કરવાની સાથે અન્યના જીવનમાં પણ આનંદ અને આશાનું વાતાવરણ ઊભું થાય ત્યારે જ પર્વનો સાચો હેતુ સિદ્ધ થાય છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પરિવારો ઉત્સવની મોજ માણતા હોય છે, ત્યારે પોલીસકર્મીઓ નાગરિકોની સલામતી માટે રસ્તાઓ પર તૈનાત હોય છે. એસ.ટી.ના કર્મચારીઓ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવાની જવાબદારી સંભાળે છે, સફાઈ કર્મચારીઓ શહેરને સ્વચ્છ રાખે છે અને ફાયરબ્રિગેડના જવાનો કોઈપણ સંભવિત દુર્ઘટનાને પહોંચી વળવા તૈયાર રહે છે. આ તમામ કર્મચારીઓ પોતાના અંગત સમયનો ત્યાગ કરીને સમાજની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે. તેથી તેમની કામગીરીને માત્ર દિવાળીના દિવસોમાં જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન સન્માન અને સંવેદનાથી જોવી જોઈએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાગરિકોને નિરાંતે તહેવાર ઉજવવાની તક મળે છે તેની પાછળ અનેક કર્મચારીઓની સતત કાર્યરત રહેવાની ભાવના રહેલી છે. આવા લોકો સુધી પ્રેમપૂર્વક પહોંચવું, તેમની મહેનતને ઓળખવી અને તેમના આનંદમાં સહભાગી બનવું એ કોઈ દાન કે ઉપકાર નથી, પરંતુ સમાજ તરીકે તેમની સામે આપણી જવાબદારી છે. દરેક વ્યક્તિ બીજાના યોગદાનને સમજતી થાય અને પોતાના આનંદમાં અન્યને પણ સામેલ કરે તો સામાજિક એકતા તથા માનવતાની ભાવના વધુ મજબૂત બનશે.યંગ ઇન્ડિયા ગ્રુપની આ પ્રવૃત્તિ માત્ર મીઠાઈના પેકેટ આપીને શુભેચ્છા પાઠવવા પૂરતી નહોતી. રોજિંદા જીવનમાં જેમની સેવાઓનો લાભ દરેક નાગરિક લે છે, પરંતુ ઘણી વખત તેમની કામગીરીની નોંધ લેવાતી નથી, તેવા કર્મચારીઓની લાગણીઓ સુધી પહોંચવાનો આ એક સંવેદનશીલ પ્રયાસ હતો. સાથે જ જાહેર સેવાઓમાં કાર્યરત કર્મચારીઓ સાથે સન્માનભર્યું વર્તન રાખવા અને તેમની ફરજની કદર કરવા માટે સમાજને પ્રેરણા આપતો સંદેશ પણ આ અભિયાનના માધ્યમથી આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર પ્રવૃત્તિને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપના રાજન પુરબિયા, દિલીપભાઈ દલસાણિયા, જયેશ બાર, હરેશ ઝાપડા, આશિષભાઈ દાફડા, જયેશ ઝાપડા, આનંદ સિંધવ અને વિજયભાઈ રબારી સહિતના સભ્યોએ વિવિધ સ્થળોએ જઈ કર્મચારીઓ સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી અને મીઠાઈ અર્પણ કરી તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. દિવાળીના દીવડાઓની રોશની વચ્ચે યંગ ઇન્ડિયા ગ્રુપે સમાજની સેવા માટે સતત સક્રિય રહેતા કર્મચારીઓના જીવનમાં આનંદની નાનકડી પળ ઉમેરીને સામાજિક સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોતાની ખુશીઓની ઉજવણીની સાથે બીજાના પરિશ્રમને સન્માન આપવાનો આ અભિગમ દિવાળીના પર્વને વધુ અર્થસભર બનાવતો રહ્યો હતો.

RELATED ARTICLES

Most Popular