મોરબી મહાપાલિકા બન્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.26ના રોજ પ્રથમ વખત મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓના હસ્તે અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. હાલ જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીમાં તાજેતરમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. ત્યારબાદ ધીમે ધીમે અનેક બદલાવ આવી રહ્યા છે. વધુમાં સરકારે પણ હવે મોરબીને વધુ ગ્રાન્ટ આપવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન આગામી તા.26 માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. જિલ્લામાં અંદાજે 1000 કરોડના કામો પૂર્ણ થયા છે. અને બીજા 1000 કરોડના કામો મંજુર થયા છે. આ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરાવવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. તેવું ગઈકાલે એક કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ જણાવ્યું છે.
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું કે લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી આવે છે. હાલ કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. સ્થળ અને કેટલા રૂપિયાના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે તે ફાઈનલ થયા બાદ જાહેર કરવામાં આવશે.
બીજી તરફ હરભોલે હોલ ખાતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ માટે બેઠક યોજવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી જીલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા અને ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા સહિત ભાજપના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી 26 માર્ચે રાજકોટ આવી રહ્યા છે. આ માટે રાજકોટ મનપા અને રૂડાના રૂ.500 કરોડથી વધુનાં વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ તૈયાર થઈ ગયો છે. જેમાં કટારીયા ચોકનાં એલિવેટેડ ફ્લાયઓવર તેમજ નવા રિંગરોડનાં કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. તેમજ મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને કેકેવી ચોક ગેમઝોનનું સીએમ પટેલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

