મોરબીના ખાખરાળા ગામે વેકેશન માણવા ઘરે ગયેલો યુવાન દુકાને અન્ય લોકોની સાથે બેઠો હતો તે યુવાન પર બંદુકથી ભડાકો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બંદૂક ફૂટી ન હતી જેથી તે શખ્સે છરીના આડેધડ ઘા ઝીંકી યુવાનની હત્યા કરી હતી. જે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબીના ખાખરાળા ગામે રહેતા જગદીશભાઇ સામતભાઈ કરોતરા (46)એ સાગર ઉર્ફે મૂલું આયદાનભાઈ ડાંગર રહે. ખાખરાળા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી, જેમાં જણાવ્યુ હતુ કે, તેનો મોટો દીકરો કિશન જગદીશભાઇ કરોતરા (ઉં.વ.21) રાજકોટ ખાતે બી.એડ. નો અભ્યાસ કરતો હતો અને તેની સાથે જીપીએસસીએની પરીક્ષા માટેની તૈયારી પણ કરી રહ્યો હતો જ્યારે કિશન વૅકેશન કરવા ઘરે ખાખરાળા ગામે આવ્યો ત્યારે આરોપીએ તેને છાતી, વાસા, જમણા ખંભા, કાંડા અને જમણા હાથના પોંચાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા કિશનને સારવાર માટે મોરબી ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું. જેથી હત્યાનો ગુનો નોંધાયો હતો દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. ચારેલ અને તેઓની ટીમ દ્વારા આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી મુળુ ઉર્ફે સાગર આદાનભાઈ ડાંગર (૩૩) રહે. સતનામ સોસાયટી નાની વાવડી મોરબી વાળાની ધરપકડ કરેલ હતી જે આરોપીને રીમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના પાંચ દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે.




