ગઈકાલે સાંજે રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારાની ખજૂરા હોટલના પ્રાંગણમાં રાજકોટના કહેવાતા આંગડિયા પેઢીના સંચાલકની કારનો પીછો કરતા આવેલા અજાણ્યા પાંચથી સાત શખ્સોએ રૂપિયા 90 લાખની લૂંટ ધાડ કરતા બનાવ અંગે ગત મોડીરાત્રે ગુન્હો નોંધાવમા આવ્યો છે. મહત્વનું છે કે, લૂંટ ધાડનો ભોગ બનેલા વેપારી અગાઉ 2.14 કરોડ રોકડા સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે સાંજના સમયે રાજકોટના અંબિકા ટાઉનશીપના રહેતા મૂળ ગોંડલના અનિડા ભાલોડી ગામના વતની નિલેશ મનસુખભાઈ ભાલોડી (ઉ.વ.45) નામના આંગડિયા પેઢીના સંચાલક રાજકોટથી કારના 90 લાખ રોકડા લઈ મોરબી તરફ જતા હતા ત્યારે ટંકારા નજીક નંબર પ્લેટ વગરની વ્હાઈટ કલરની પોલો અને બલેનો કારમાં આવેલા અજાણ્યા પાંચથી સાત શખ્સોએ નિલેશ ભાલોડીની કારનો પીછો કરી કારને ટક્કર મારતા નિલેશ ભાલોડીના કારના ડ્રાઇવરે બચવા માટે કારને હોટલ ખજૂરાના પ્રાંગણમાં લઈ લીધી હતી.
બીજી ત૨ફ કારમાં રોકડ રકમ હોવાનું જાણતા લૂંટારુઓએ ખજૂરા હોટલના પ્રાંગણમાં ઘૂસી આવી કારના દરવાજા ખોલી રોકડ ભરેલા બે થેલા લઈ લૂંટ ધાડને અંજામ આપી નાસી જતા બનાવ અંગે નિલેશ ભાલોડીએ ટંકારા પોલીસ મથકમાં 90 લાખની લૂંટ ધાડ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, લૂંટ ધાડનો ભોગ બનનાર નિલેશ ભાલોડી ગત જૂન 2024મા રાજકોટની બેડી ચોકડી નજીકથી 2.14 કરોડની રોકડ સાથે અન્ય એક શખ્સ સાથે ઝડપાઈ ગયો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સાથે જ નિલેશ ભાલોડી જીએસટીના કામ કાજ સાથે પણ સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે.




