માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે દૂધની ડેરી ધરાવતા યુવાન મિત્ર સાથે વર્ષામેડી ગામે દૂધ આપવા ગયા બાદ પીપળીયા ચાર રસ્તાથી કામ પતાવી બાઈક લઈ મિત્ર સાથે પરત ઘેર જતા હતા ત્યારે નાના દહીંસરા ગામના પાટિયા પાસે કાર ચાલકે બાઇકની ઓવરટેક કરવા જતા ટક્કર મારતા બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઈજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે વવાણીયા ગામે રહેતા અને પશુપાલન ક૨તા મહેશ ઉર્ફે મસો બાબભાઈ ખીટ (ઉ.વ.36) નામના યુવાને આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.13ના રોજ વવાણીયા ગામે દૂધની ડેરી ધરાવતા રાજેશભાઈ લખમણભાઈ વિરડાની દૂધની ડેરીએ તેઓ દૂધ ભરવા ગયા બાદ એકત્રિત થયેલ દૂધ વર્ષામેડી ગામે મોટી ડેરીએ પહોંચાડવાનું હોય બન્ને બાઈક પર ગયા બાદ રાજેશભાઈને પીપળીયા ચાર રસ્તે કામ હોવાથી ત્યાં ગયા હતા અને કામ પૂર્ણ કરી પરત આવતા હતા ત્યારે પરત ફરતી વેળાએ નાના દહીંસરા ગામના પાટિયા પાસે કાર ચાલક બાઇકની ઓવરટેક કરવા જતાં બાઈકને ટક્કર મારતા બન્ને પડી ગયા હતા, જેમાં રાજેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતના બનાવ બાદ બન્નેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવતા રાજેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે મહેશ ઉર્ફે મસાને ઈજાઓ પહોંચી બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.




