મોરબીના રફાળેશ્વર મંદિરમાં ગત રાત્રીના ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં 3 તસ્કરોએ માતાજીનો મૂંગટ તેમજ દાનપેટીની રકમ સહિતની વસ્તુઓ ચોરી લેતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
મંદિરનો વહીવટ સંભાળતા મહેન્દ્રભાઈ પોપટના જણાવ્યા અનુસાર, રફાળેશ્વર મંદિરમાં ગત રાત્રીના ત્રણ તાળા તોડી ચોર ત્રાટક્યા હતા. તસ્કરોએ માતાજીનો ચાંદીનો મુંગટ ચોરી લીધો હતો. હનુમાનજીના પગમાં ચાંદીના પાદુકા છે તે કાઢવાની કોશિશ કરી હતી પણ નીકળ્યા ન હતા. દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમ પણ ચોરી લીધી હતી એટલું જ નહીં, ઓફિસના તાળા તોડી ત્યાંથી નાની-મોટી વસ્તુઓની ચોરી કરી હતી.
મંદિરમાં લગાવવામાં આવેલા CCTV માં ત્રણ શખ્સો ચોરી કરતા નજરે પડ્યા છે. આ મામલે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત એલસીબી ટીમ પણ મંદિર ખાતે તપાસ અર્થે આવી પહોંચી હતી.
મોરબી તાલુકા પીઆઈ એસ.કે. ચારેલે ચોરીના આ બનાવ અંગે જણાવ્યું હતું કે, આ મામલે હાલ તપાસ ચાલુ છે.




