મોરબી શહેરમાં વ્યાજખોરીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા એક યુવક પર વ્યાજખોરોએ ઉઘરાણી દરમ્યાન છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અનીલભાઈ મનોજભાઈ ચૌહાણ (ઉં. 24, રહે. રોહિદાસપરા શેરી નં. 05, મોરબી)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેણે આરોપી શિવમભાઈ રબારી પાસેથી થોડા રૂપિયા વ્યાજે લીધા હતા. દર મહિને તે વ્યાજ ચૂકવતો હતો, પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી આર્થિક તંગી હોવાથી વ્યાજના પૈસા ચૂકવી શક્યો ન હતો.
આ કારણે આરોપીઓ શિવમભાઈ રબારી, હીરાભાઈ રબારી અને પૃથ્વીરાજસિંહ ઝાલાએ તેની પાસે ઉઘરાણી માટે દબાણ કર્યું હતું. ફરીયાદી પાસે પૈસાની સગવડ ન હોવાનું જણાવતા આરોપીઓએ તેને અશ્લીલ ગાળો આપી, મારપીટ કરી અને છરી વડે પેટ તથા પડખાના ભાગે ઘા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. સાથે જ આરોપીઓએ ફરીયાદીને જાતિ આધારિત અપમાનજનક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોરબી બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (IPC)ની કલમ 115(1), 118(1), 351(2)(3), 352, 354, 506, નાણા ધિરધાર અધિનિયમની કલમ 40, 42, તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર પ્રતિબંધ) અધિનિયમની કલમ 3(1)(R), 3(1)(S), 3(2)(5-A) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવ બાદ શહેરમાં ચર્ચા ફેલાઈ છે કે મોરબીમાં વ્યાજખોરો નિર્ભય બની ગયા છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નચિહ્ન ઉભા થયા છે.

